રાજકીય પ્રવાહો : કુન્દન
વ્યાસ : રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત
શાહ સામે બળાપો કાઢયો છે - અથવા એમની નિરાશા, હતાશાનું પ્રદર્શન કર્યું છે. આજે આખી
દુનિયાની નજર હોર્મુઝ ખાડી ઉપર છે. યુદ્ધ ક્યારે બંધ થશે - એ કોઈ જાણતું નથી. અમેરિકા
સહિત અન્ય સંખ્યાબંધ દેશો આર્થિક સંકટમાં છે, ત્યારે ભારતમાં હજુ પેટ્રોલ-ડીઝલનું રેશનિંગ
નથી. ભાવમાં વધારો થયો છે, પણ પુરવઠો છે છતાં રાહુલ ગાંધી લોકોને ભડકાવી રહ્યા છે
! ભયંકર ભાવવધારાની આગાહી કરે છે અને લોકોને કહે છે મોદી તમારી પાસે આવીને રડશે - આવી
કફોડી સ્થિતિ માટે એમની જવાબદારી નથી એમ કહેશે... મોદી અને અમિત શાહ `ગદ્દાર' છે એમ કહીને રાહુલ ગાંધીએ ટીકા
વહોરી લીધી છે. હવે ભારતના વડાપ્રધાન માટે `તૂંકાર' તુર્થકાર ભાષા પ્રયોગ કરી રહ્યા છે ! અત્યાર સુધી દરેક
વખતે એમણે ભારતીય સેનાનું અપમાન કર્યું છે. લોકસભામાં વિપક્ષી નેતાનાં પદને આ શોભતું
નથી. આ રીતે એમને સત્તા નહીં મળી શકે ! ભારત અને ભાજપ માટે એમના તિરસ્કારની મર્યાદા
હવે રહી નથી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સામે મોરચો ખોલ્યો છે, ત્યારે વડાપ્રધાને
પાંચ દિવસમાં પાંચ દેશની મુલાકાત લઈને ભારતમાં 40 બિલિયન ડોલરનાં મૂડીરોકાણની ખાતરી મેળવી છે. આરબ અમીરાતના વડાપ્રધાને
તો ભારતને ક્રૂડતેલના પુરવઠાનું અભય વચન આપ્યું છે. ઈરાને સલામત માર્ગની જાહેરાત કરી
છે અને રશિયાએ ચીનને ભારતની મૈત્રીનું મહત્ત્વ સમજાવ્યું છે. પશ્ચિમ એશિયાનાં યુદ્ધના
કારણે વિશ્વમાં અનેક દેશોનાં અર્થતંત્ર વિકટ દશામાં છે, તેમાં ભારત અપવાદ નથી. શરૂઆતના
મહિનાઓમાં આપણે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો અને ભાવ જાળવી શક્યા, પણ યુદ્ધ લંબાતા અને ક્યારે
બંધ થશે તેની અનિશ્ચિતતાના કારણે વડાપ્રધાન મોદીએ કોરોનાકાળ જેવાં સંકટની શક્યતા હોવાથી
દેશવાસીઓને સાવધાન કર્યા. કરકસર કરવાનો અનુરોધ કર્યો. સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ
એક વર્ષ સુધી મુલતવી રાખવાની સલાહ આપી. વડાપ્રધાનનો અનુરોધ સમયસરનો અને વાજબી હતો,
પણ હવે એવી ટીકા શરૂ થઈ કે `મોદી સરકારની
ભૂલનો ભોગ લોકો બન્યા છે', વિપક્ષ ટીકા પણ કરે છે કે, રાજ્યોની ચૂંટણીના કારણે મોદીએ
ભાવવધારો મુલતવી રાખ્યો હતો ! વાત સાચી છે, પણ સ્વાભાવિક છે કે, કોઈ પણ પક્ષની સરકાર
ચૂંટણી વખતે ભાવવધારો કરે જ નહીં. ઉપરાંત આપણી પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક હોવાથી
તાત્કાલિક ભાવવધારાની જરૂર ન હતી, પણ હવે - જ્યારે યુદ્ધ બંધ થાય, હોર્મુઝ ખાડીનો માર્ગ
ખૂલે - તે પછી મોદી સરકાર ભાવવધારો પાછો ખેંચે, તો જનતાને રાહત અને વિપક્ષી નેતાને
નિરાશા મળશે. વિપક્ષી નેતા - રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે યુદ્ધનો નવો મોરચો ખોલ્યો
છે ! ઉત્તરપ્રદેશની જાહેરસભામાં કહ્યું છે કે, લોકોનાં માથા ઉપર ભયંકર ભાવવધારો ઝળૂંબે
છે ! `તમે કદી કલ્પના પણ નહીં કરી હોય - એવા
ભાવવધારા માટે તૈયાર રહો' એમ કહીને લોકોને ભડકાવી રહ્યા છે. વડાપ્રધાને કરકસરની સલાહ
આપી છે, આદેશ નથી આપ્યા. આયાતજકાત પણ વધારવી પડે, પણ રાહુલ ગાંધી કહે છે સોનાની ખરીદી
રોકવાની અપીલ ઝવેરીઓને મોતની સજા જેવી છે ! રાહુલ ગાંધી ભારતનો ઇતિહાસ અને ભારતવાસીઓના
`ભામાશા-ભાવના' જાણતા નથી. અત્યારે તો
માત્ર ખરીદી રોકવાનો અનુરોધ છે, પણ ભૂતકાળમાં યુદ્ધ વખતે લોકોએ સંરક્ષણ ભંડોળમાં સોનાનાં
ઘરેણા માતૃભૂમિની રક્ષા માટે ન્યોછાવર કરી દીધાં હતાં ! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
થયો છે. આ પણ પહેલી વખત નથી. અગાઉ - કોંગ્રેસનાં શાસનમાં પણ વધારા થયા છે. રાહુલ ગાંધીને
ક્યાંથી ખબર હોય, પણ પેટ્રોલના ભાવવધારા પછી વિરોધ પ્રદર્શિત કરવા માટે સંસદસભ્યો બળદગાડામાં
બેસીને સંસદ ભવન આવ્યા હતા ! અત્યારની અછત અને ભાવવધારો હોર્મુઝની ખાડી બંધ હોવાથી
છે અને ભારતના મૈત્રી સંબંધના કારણે ઈરાને આપણા ટેન્કરોનો માર્ગ ખોલવાની ખાતરી પણ આપી
છે, હવે આપણો પુરવઠો જળવાઈ રહે એવી આશા છે. યુદ્ધની સ્થિતિ હોય, આર્થિક કટોકટી હોય,
ત્યારે નેતાઓની જવાબદારી લોકોનો જુસ્સો, દેશાભિમાન જગાવવાની હોય છે, પણ વિપક્ષી નેતાને
અત્યારે મોકો મળ્યો છે. સરકાર સામે મોરચો ખોલવાનો અને આમાં અંબાણી-અદાણીનું નામ આવ્યા
વગર ચાલે જ નહીં ! અદાણી સામેના તમામ કેસ અમેરિકામાં
રદ થયા તે પણ રાહુલ ગાંધીને ખૂંચે છે ! મોદીએ સંવિધાન ખતમ કરી નાખ્યું એવી કાગારોળ
ચાલુ છે અને હવે નરેન્દ્ર મોદી - અમિત શાહ તથા આરએસએસ `ગદ્દાર' છે એમ કહી રહ્યા છે ! તેલના ભાવથી
શરૂ કરીને રાહુલ ગાંધી સંવિધાન સુધી પહોંચ્યા છે ! હકીકતમાં ભારતના ઇતિહાસમાં અત્યાર
સુધી સંકટ સમયે સૌ `દેશવાસી
- ભારતીયોની એકતા હતી. રાજકીય નાત-જાતના ભેદ ન હતા. હવે, કોંગ્રેસ અને ભાજપનાં નામે
રાજકારણ શરૂ કરનારા - નેતાઓ જ ગદ્દાર - દેશદ્રોહી' છે ! રાહુલ ગાંધીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસના
- વરિષ્ઠ નેતા શરદ પવારની સલાહ સમજવી અને સ્વીકારવી જોઈએ. શરદ પવારે કહ્યું કે, વડાપ્રધાને
કરકસરનો જે અનુરોધ કર્યો છે તેની પાછળ આપણા અર્થતંત્ર ઉપર યુદ્ધની પડનારી - લાંબા ગાળાની
અસરનું સિગ્નલ છે. શરદ પવાર ભારતના સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે. યુદ્ધની અસર નાગરિકો
ઉપર તથા વ્યાપાર ઉદ્યોગ અને ઇન્વેસ્ટરો ઉપર પડશે. આથી વડાપ્રધાને એમના અધ્યક્ષપદે સર્વપક્ષી
બેઠક બોલાવવી જોઈએ. કેન્દ્ર સરકારે અર્થશાત્રીઓ અને વ્યાપાર - ઉદ્યોગના અગ્રણીઓને બોલાવીને
- સંભવિત અસ્થિરતા અને અનિશ્ચિતતાને પહોંચી વળવાના ઉપાયોની ચર્ચા-વિચારણા કરવી જોઈએ.
શરદ પવારની સલાહ સારી છે, પણ મોદી સરકારે કોરોના વખતે તેમ જ સરહદી સંઘર્ષ વખતે સર્વપક્ષી
બેઠકો બોલાવી હતી તેનો અનુભવ સારો નથી. ભારતીય સેના સામે શંકા ઉઠાવીને ઘણી ગેરસમજ વાયરલ
કરવાના પ્રયાસ પણ થયા હતા. આથી હવે મોદી સરકાર સાવધાન છે. નજીકનાં ભવિષ્યમાં યુદ્ધ
બંધ થાય, તો પણ અર્થતંત્ર ઉપર તેની અસર રહેશે. ગમે તેમ પણ પેટ્રોલ-ડીઝલ ઉપર જે વધારો
થયો છે તે સ્થિતિ સુધરે ત્યારે પાછો ખેંચાવો જોઈએ. ચૂંટણીના કારણે સરકારે ભાવવધારો
મુલતવી રાખ્યો તે સમજી શકાય, પણ વડાપ્રધાને - પાછલા દાયકાઓમાં આપણે મેળવેલી સિદ્ધિ
ધોવાઈ જવાની ચેતવણી આપી તેની ટીકા થઈ રહી છે. વડાપ્રધાને આવું નિવેદન કર્યું તેના બદલે
કોઈ જુનિયર પ્રધાન અથવા અધિકારી પાસે કરાવવું જોઈએ એવો એક અભિપ્રાય છે, કારણ કે અત્યાર
સુધી સરકાર તરફથી એવાં નિવેદન આવતાં હતાં કે, આપણી પાસે પૂરતો પુરવઠો છે ! વડાપ્રધાનની
`ચેતવણી' પછી બીજા જ દિવસે સંરક્ષણ પ્રધાન
રાજનાથસિંહના અધ્યક્ષપદે કેબિનેટ પ્રધાનોની `ગ્રુપ મીટિંગ' બોલાવ્યા પછી અખબારોમાં મોટાં મથાળાં હતાં - ભારત
પાસે પેટ્રોલ-ડીઝલ અને અન્ય કોમોડિટીઝનો પૂરતો સ્ટોક છે ! શક્ય છે કે વડાપ્રધાનની `ચેતવણી' પછી લોકો સંગ્રહખોરી કરવા લાગે
અને કૃત્રિમ અછત ઊભી થાય, તે અટકાવવા અને કૃત્રિમ અછત ટાળવા માટે જ `પૂરતા સ્ટોક'ની જાહેરાત થઈ. અર્થતંત્રના
સંભવિત સંકટ માટે યુદ્ધ ઉપરાંત નબળાં ચોમાસાંની આગાહી પણ છે. હવામાન ખાતાની આગાહી આ
વર્ષે રાબેતા મુજબના સરેરાશ વરસાદથી પણ ઓછો વરસાદ થશે. અમેરિકા પણ કહે છે કે, અલ નિનોનું
આગમન નિશ્ચિત છે અને તેના કારણે ખરીફ પાકનાં ઉત્પાદનમાં ઓછામાં ઓછો દસ ટકા ઘટાડો થશે.
આપણા ભંડાર ભરેલા છે, પણ અછત અને દુષ્કાળમાં અધિકમાસ જેવી સ્થિતિથી ભાવવધારો થવાની
શક્યતા છે. વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ભારતમાં અર્થતંત્ર ઉપર બોજ
પડવાની શક્યતા દર્શાવીને લોકોને સાવધાન કર્યા. કરકસર - બચત કરવાનો અનુરોધ કર્યો, પેટ્રોલ-ડીઝલ
ઉપરાંત ખાદ્યતેલની આયાત પાછળ ધરખમ ખર્ચ થાય છે, સોનાની આયાતમાં અને વિદેશ પ્રવાસમાં
આપણું ફોરેન એક્સ્ચેંજ ખેંચાઈ જાય છે, તેથી એક વર્ષ સુધી આવા ખર્ચ નહીં કરવાનો અનુરોધ
કર્યો. એમણે કોરોનાકાળના અનુભવની યાદ તાજી કરી. વિશ્વભરમાં અનેક દેશોનાં અર્થતંત્ર
ઉપર ગંભીર અસર પડી છે - અમેરિકા પણ બાકાત નથી, ત્યારે ભારત ક્યાં સુધી ઝીંક ઝીલી શકે
? આ પડકારના પ્રતિકાર માટે વડાપ્રધાને દેશવાસીઓને સાવધાન કર્યા, પણ આ દરમિયાન વિપક્ષી
નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની `ભૂલ'ના
કારણે લોકોએ ભોગવવું પડશે. ભયાનક આર્થિક આંધી આવી રહી છે. એમ કહીને લોકોને સાવધાન કરવાને
બદલે ભયભીત કરવાના, ભડકાવવાનાં ભાષણ શરૂ કર્યાં. સામાન્ય રીતે યુદ્ધની પરિસ્થિતિ હોય,
ત્યારે લોકોનો દેશપ્રેમ - જુસ્સો જગાવવાનો હોય તેના બદલે ગુસ્સો જગાડવાના પ્રયાસ થઈ
રહ્યા છે ! આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઇટાલીની મુલાકાત લીધી અને ત્યાંનાં વડાપ્રધાનને
ભારતીય બનાવટની ચોકલેટ ભેટ આપી. આ ઘટના વિશ્વભરમાં વાયરલ થઈ, પણ ભારતમાં વિપક્ષી નેતાના
પેટમાં ચૂંક ઊપડી. અલબત્ત - મૂળ કારણમાં ચોકલેટ નહીં, પણ મોદી ઇટાલી ગયા અને મૈત્રી
ગાઢ બનાવી તે છે ! રાહુલ ગાંધીના મોસાળમાં મોદીનાં માન-પાન વધી ગયાં એ કોંગ્રેસને કયાંથી
ગમે ?