નખત્રાણા, તા. 25 : રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા નખત્રાણા
તાલુકાના અરલ મોટી ગામની સીમતળમાં આવેલા ચેકડેમનાં સમારકામ અને રેઈઝિંગવર્ક માટે
મંજૂર થયેલા રૂા. 17 લાખના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. કાર્યક્રમના આરંભે મહામંત્રી હરિસિંહ
રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. નખત્રાણા મ્યુનિસિપાલિટીના નવનિયુક્ત પ્રમુખ
વસંતભાઈ વાઘેલા તથા કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચનમાં
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા
કચ્છનો પ્રાણપ્રશ્ન પાણીના સંગ્રહ માટે ડેમ-ચેકડેમ, તળાવોનાં
નવનિર્માણ અને જૂનાં જળાશયોનાં મરમંત કામો માટે અનેક ગ્રાન્ટો ફાળવી હોવાનું
જણાવ્યું હતું, જેના કારણે ખેતી, પશુપાલન
વ્યવસયાને વેગ મળતાં લોકો આર્થિક પગભર થયા હોવાનું ઉમેર્યું હતું. ચોમાસાંમાં
વરસાદી પાણીનું ટીપે-ટીપું સંગ્રહનું ખેતી પશુપાલન, પર્યાવરણના
વિકાસ માટે જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સર્વગ્રાહી યોજનાથી ભૂતકાળમાં
પાણીના અભાવે ખેતીને થયેલી ગંભીર અસરના કારણે ધંધો રોજગાર માટે અનેક પરિવારો આંતર
રાજ્યોમાં સ્થળાંતર કરી જતાં સરહદી વિસ્તારમાં ગામડાં સૂનકાર બન્યાં છે.
ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જળસંચયનાં કામોને મુખ્ય પરિબળ
જણાવ્યું હતું. આ પ્રસંગે ભીભાજી જાડેજા, રણજિતસિંહ, નરેન્દ્રસિંહ (બીબર), મહિપતસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, છગનભાઈ ગોરડિયા વિ. ઉપસ્થિત રહ્યા
હતા. શાત્રી મહારાજે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાવી હતી. સંચાલન હરિસિંહ રાઠોડે
કર્યું હતું.