• મંગળવાર, 26 મે, 2026

ભુજ : હમીરસર તળાવમાંથી યુવાનની લાશ મળતા ચકચાર

ભુજ, તા. 25 : આજે સવારે શહેરના હમીરસર તળાવમાંથી યુવાનની લાશ મળતા ચકચાર મચી હતી. પોલીસ તપાસમાં આ યુવાન નરેન્દ્ર રમેશચંદ્ર સાધુ (ઉ.વ. 42) હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ગઇકાલે શહેરના હંગામી આવાસમાં રહેતો 39 વર્ષીય યુવાન વિજય સુરજમલ લખિયાલ તેના ઘરની છત પરથી પડી જતા માથામાં ગંભીર ઇજાના પગલે મોતને ભેટયો હતો.

આજે સવારે નવ-દશ વાગ્યાના અરસામાં વંદે માતરમ પાર્ક પાસે હમીરસર તળાવની અંદર પાણીમાં તરતી લાશ દેખાતા ભુજની ફાયર ટીમને જાણ કરાઇ હતી. આથી ટીમ ઘટના સ્થળે ધસી જઇ લાશને બહાર કાઢી હતી અને લાશને જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઇ હતી. એ-ડિવિઝન પોલીસે છાનબીન આદરતા આ શખ્સ ભુજના ઉપલીપાળ, રઘુનાથજીનો આરો, રામવાડી પાસે રહેતા નરેન્દ્ર રમેશચંદ્ર સાધુ (ઉ.વ. 42) હોવાનું સામે આવ્યું છે. પાણીમાં ડૂબવાથી મોત થયું હતું. બનાવ આકસ્મિક કે આપઘાત તે અંગે તપાસ આદરાઇ છે. બીજી તરફ સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ એકાદ માસ અગાઉ નરેન્દ્ર રઘુનાથજીના આરા પાસેના જલારામ મંદિરમાં પૂજારી તરીકે કામગીરી કરતો હતો. હાલ કઇ કરતો નહતો.

બીજી તરફ ભુજના હંગામી આવાસમાં રહેતો પરપ્રાંતીય યુવાન વિજય ગઇકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં તેના ઘરની અગાસી પરથી નીચે પડી જતા માથામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. આથી તેની પત્ની મિતલબેન તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષીત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવાઇ છે.

Panchang

dd