ગાંધીધામ, તા. 25 : પૂર્વ કચ્છમાં પોલીસે
જુદા-જુદા ત્રણ દરોડા પાડીને કુલ રૂા. 9,85,344ના દારૂ સાથે પાંચ શખ્સને પકડી પાડયા હતા, જ્યારે ત્રણ હાથમાં આવ્યા નથી. પડાણા નજીક હોટેલમાંથી રૂા.
9,53,264ના દારૂ સાથે ચાર શખ્સને ઝડપી લેવાયા હતા, જ્યારે વાંઢિયામાં કૂવામાંથી દારૂ
મળ્યો હતો તેમજ લોદ્રાણી અને મુંદરાના છસરામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર કાર્યવાહી કરાઇ
હતી. પડાણા નજીક આવેલી મિની પંજાબ હોટેલના પાર્કિંગમાં રહેલા ટ્રેઇલરમાં દારૂ હોવાની
અને પોલીસનું ધ્યાન રાખવા ત્યાં કાર પણ પડી હોવાની પૂર્વ બાતમીના આધારે આજે વહેલી પરોઢે
એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. આ હોટેલના પાર્કિંગમાં રહેલા ટ્રેઇલર નંબર આર.જે. 07-જી.ડી. 5907માં
તાડપત્રી હટાવી તપાસ કરાતાં નીચે લોખંડની ભૂકી અને તેની નીચે દારૂની પેટીઓ ભરેલી હોવાનું
બહાર આવ્યું હતું. ટ્રેઇલરમાં હાજર ચાલક ફલોદી રાજસ્થાનના હનુમાનરામ ઓમપ્રકાશ જાંગુ
(જાટ)ને ઝડપી લેવાયો હતો. તેની પૂછપરછ કરાતાં વાહનમાં દારૂ હોવાનું અને કાર નંબર જી.કે.
10-ડી.એ. 7078થી
પોલીસનું ધ્યાન રખાતું હોવાનું જણાવ્યું હતું. આ કારમાંથી ફલોદીના રવીન્દ્રસિંહ અભયસિંહ
કનોંદ (રાઠોડ- રાજપૂત), હરિરામ રુગનાથરામ કુલડિયા (જાટ), ત્રિલોક ભવરરામ ગોદારા
(જાટ)ને પકડી પાડવામાં આવ્યો હતો. કારમાં સવાર આ ત્રણેય શખ્સને પોલીસનું ધ્યાન રાખવા
વ્યક્તિદીઠ રૂા. 10,000 મળવાના હતા. આ ટ્રેઇલરમાંથી
બ્લેન્ડર પ્રાઇડની 750 મિ.લિ.ની 272 બોટલ,
ગ્રીન લેબલના 180 મિ.લિ.ના
720 ક્વાર્ટરિયા,
મેજીક મોમેન્ટના 1552 ક્વાર્ટરિયા, 8 પીએમના
720 ક્વાર્ટરિયા તથા કિંગફિશરના 2184 ટીન બિયર એમ કુલ 9.53 લાખના દારૂ રૂા. 9,53,264નો શરાબ જપ્ત કરાયો હતો. પકડાયેલા ટ્રેઇલરચાલકને તા.
19/5ના ફલોદીના શંભુસિંહ હરિસિંહ રાઠોડ (રાજપૂત)એ ફલોદી
પાસે બાય ગામ પાસેથી દારૂ ભરી આપ્યો હતો. બાદમાં તા. 21/5ના આ શંભુસિંહ લાકડિયા પાસે દારૂ સાથે પકડાઇ જતાં ટ્રેઇલરચાલક
પરત ચાલ્યો ગયો હતો અને કારમાં સવાર ત્રણેયને સાથે લઇને આજે અહીં આવ્યો હતો. સ્થાનિકે
કોને દારૂ આપવાનો હતો તે હજુ બહાર આવ્યું નથી,
જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક કાર્યવાહી ભચાઉના વાંઢિયામાં
કરવામાં આવી હતી. અહીં ફૂલવાડીવાસ નજીક આવેલા કૂવામાંથી પાંચ બોટલ, 83 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 15,580ના શરાબ સાથે દારૂ રાખનાર દીપકકુમાર રમેશ કોળીને ઝડપી
લેવામાં આવ્યો હતો, પણ આ શખ્સ ક્યાંથી દારૂ લાવ્યો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. વધુ એક કાર્યવાહી
રાપરના લોદ્રાણીમાં કરવામાં આવી હતી. અહીં ચુલડી ડેમની ઉગમણી બાજુની સીમમાં પોલીસે
છાપો માર્યો હતો અને ઓરડીમાંથી દેશી દારૂ, અખાદ્ય ગોળ વગેરે રૂા.
16,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, દારૂ ગાળનાર શખ્સ અર્જુનસિંહ વીરુભા
વાઘેલા અહીં ગેરહાજર મળ્યો હતો, જ્યારે આજે સવારે મુંદરા પોલીસે
છસરાની ઉત્તરાદી સીમમાં કરશન ઇસ્માઇલ કોળી તેના કબજાની વાડીની પાસે નદીમાં બાવળોની
ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી 700 લિટર આથો,
40 લિટર દેશી દારૂ એમ કુલે રૂા. 25,500ના મુદ્દામાલ સાથે આરોપી કરશનને ઝડપી કાર્યવાહી કરી
હતી.