• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

પાંચ દિવસ કચ્છમાં માવઠું રહેશે

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : શિયાળાની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતનું હવામાન પલટાયું છે. હવામાન વિભાગ  દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર અને ખેડૂતો બંનેની ચિંતા વધી છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતા છે. જેના કારણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદની આશંકા છે. દરમિયાનમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 204 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં નોંધપાત્ર કમોસમી વરસાદ કહી શકાય તેવા ક્ષેત્રોમાં જોઇએ તો સૌથી વધુ અમરેલીના રાજલામાં 6.89 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગર સોમનાથના ઉનામાં 4.53, અમરેલીના લીલીયામાં 4.49, ગીર સોમનાથના ગીર ગઢડડામાં 4.29 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સાવરકુંડલા, મહવા, ખાંભા, વલ્ભીપુપ, ગળતેશ્વર, કોડીનારમાં 3થી આશરે 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે છ તાલુકાઓમાં 2થી 2.50 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે 14 તાલુકાઓમા 1થી દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારો એલર્ટ પર છે. ગાજવીજ સાથે વરસાદ અને પવનના જોરને પગલે પોર્ટ પર કઈ-3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.   

Panchang

dd