ગાંધીધામ, તા. 16 : રાપરના સેલારીમાં એક અત્યંત
ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષીય સગીરાને
જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે શારીરિક અડપલાં કરાયાં હતાં. જેનાથી કંટાળી
કિશોરીએ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવમાં બે શખ્સ સામે ગુનો દર્જ
થયો હતો. સેલારીમાં રહેનારી 16 વર્ષીય એક
કિશોરી થોડા દિવસ પહેલાં ઘરની બહાર ઊભી હતી, ત્યારે આરોપી સોહિલ શેરમામદ સોઢા નામના
શખ્સે ત્યાં આવી હું કહું ત્યારે તારે મારી સાથે આવવું પડશે. નહીંતર તને અને તારા પરિવારને
મારી નાખીશ તેવી ધમકી આ કિશોરીને આપી હતી. બાદમાં તા. 13-6ના રાત્રે આ કિશોરી ઘરનાં આંગણામાં
સૂતી હતી, ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો. અને સગીરાને
જગાડી બોલવાની ના પાડી, ધમકી આપી ઘરની બહાર લઇ ગયો હતો. ત્યાં
તેનો મિત્ર શાહનવાઝ સુલતાન સોઢા, બાઇક લઇને ઊભો હતો. બંનેએ કિશોરીને
બાઇક પર બેસાડી સ્મશાન નજીક ખેતરવાળા રસ્તે લઇ ગયા હતા, જ્યાં
સોહિલે કિશેરીની મરજી વિરુદ્ધ છેડતી કરી શારીરિક અડપલાં કર્યાં હતાં. તેવામાં ભોગ બનનારના
પિતા ટોર્ચ લઇને આવતા આ બંને શખ્સ બાઇક પર નાસી છુટયા હતા. આરોપી માથાભારે હોવાથી તેમના
ભયના કારણે પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ ત્રાસ
અને ડર સહન ન થતાં સગીરાએ ઝેરી દવા પીને જીવન
ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણીને પ્રથમ રાપર અને બાદમાં ભુજની હોસ્પિટલમાં લઇ જવાઇ
હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.