ભીરંડિયારા (તા. ભુજ), તા. 16 : આ માર્ગે
341 નેશનલ હાઇવે ચાલુ થયા બાદ સમયાંતરે
અકસ્માતોનો સિલસિલો ચાલુ છે, જેમાં
મહામુલું પશુધન અને લોકો જીવ ગુમાવી રહ્યા છે. ભાંગતી રાત્રે 3.40 વાગ્યાના અરસામાં ભંડારીવાંઢ
બસ સ્ટેશન પાસે ઊભેલી ભેંસો પર ટ્રેઇલર ફરી વળતાં ત્રણ ભેંસનાં મોત નીપજ્યાં હતાં અને
બેને ગંભીર ઇજા પહોંચી છે. બે ટ્રેઇલર ભેંસોને કચડી નાસી છૂટયા હતા. ઓવરલોડ-ઓવરસ્પીડ
અને નશામાં ધૂત થઇ ચાલકો બેફામ રીતે ટ્રેઇલર ચલાવતા હોવાથી આ માર્ગો પર અકસ્માતો રોજિંદા
બન્યા છે. કોઇને કંઇ પડી ન હોય તેમ તંત્ર ઘોર નિદ્રામાં પોઢી રહ્યું છે. માલધારીઓ પોતાનું
ગુજરાન આ પશુઓ પર જ ચલાવે છે ત્યારે આવા બનાવોથી તેઓ પર આભ તૂટી પડયું છે. નેશનલ હાઇવે ઓથોરિટી
રોડની બંને બાજુ ગ્રીલ લગાડે
જેથી માર્ગ અકસ્માતમાં મરતા પશુઓ બચી શકે તેવું જાગૃતો જણાવી રહ્યા છે.