ગાંધીધામ, તા. 16 : અંતરજાળમાં બાળકોના ચકડોળ ચલાવી
પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકે લીધેલી વ્યાજની રકમ કરતાં વધુ રકમ ચૂકવી હોવા છતાંય
પઠાણી ઊઘરાણી કરાતી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વ્યાજે આપનાર બે આરોપીનાં
અવસાન થઈ ગયા છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદી વેલજીભાઈ ગોપાલભાઈ પરમારે આરોપીઓ મુકેશ બાવાજી, હાર્દિક
બાવાજી, મનિષ દુદાભાઈ
આહીર અને જયુ આહીર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આરોપી મુકેશ બાવાજી પાસેથી ચકડોળ બનાવવા માટે એક લાખ પાંચ
ટકાના વ્યાજે લીધા હતા, તેની સામે તેને 2.30 લાખ આપી દીધા હતા. આરોપી મુકેશ બાવાજીનું અવસાન થયા
બાદ તેનો દીકરો વધુ રૂા. એક લાખ આપવા માટે
માંગ કરી ધાકધમકી કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું
છે. આ ઉપરાંત આરોપી મનીષ આહીર પાસેથી 10 ટકાના ઊંચા વ્યાજ લેખે એક લાખ
લીધા હતા, તેણે તેની સામે રૂા. 4.80 લાખ ચૂકવ્યા હતા. તેનું પણ
અવસાન થયા બાદ તેનો સાળો ધાકધમકી
કરતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ
ધરી છે.