ભુજ, તા. 19 : નખત્રાણાના રોહા-સુમરીમાં અનેક
ધાર્મિક સ્થાનોને અભડાવી ચોરીના બનાવો ઉપરા છાપરી બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો
અને પોલીસ સમક્ષ રજૂઆત કરતા નખત્રાણા પોલીસે પગેરું દબાવી બાતમીના પગલે આ ચોર ટોળકીના
બેને ઝડપી લીધા છે અને ત્રીજાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ અંગે નખત્રાણા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ
ચોર ઈસમને પકડવા માટે નખત્રાણા પીઆઈ એ.એમ. મકવાણાની સૂચના અને માર્ગદર્શન પગલે સર્વેલન્સ
સ્ટાફને તપાસ દરમ્યાન બાતમી મળી કે, હાસમ ઓસમાણ વાંઢા તથા અનવર ઓસમાણ વાંઢા (રહે. બંને મૂળ કાઢવાંઢ (ખાવડા) હાલે
કુકમા) અને અન્ય સાગરિતે સાથે મળી આ ચોરીઓ કરી છે. આ બાતમીના પગલે પોલીસે બંનેને પોલીસ
મથકે લાવી યુકિત-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે તથા તેમના સાથી મિત્ર રસીદ ઉર્ફે વલો
દેસર સમા (રહે. નાના દિનારા (ખાવડા)એ સાથે મળી રોહા-સુમરીમાં ઓરડીમાં તથા દરગાહ-મંદિરમાંથી
ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે લઈ આ બે ચોરીનો ભેદ ઉકેલી
લેવાયો છે. ત્રીજા આરોપી રસીદ ઉર્ફે વલો દેસર સમાને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં
છે. ઝડપાયેલા આરોપી પૈકી હાસમ સામે 14 ગુના ચોરીના નોંધાયેલા હોવાથી આ રિઢો ચોર હોવાનું સામે આવ્યું
છે.