• ગુરુવાર, 01 મે, 2025

મોથાળા-ધુફીમાં 40 લાખની કિંમતી જમીન પરનાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં

ભુજ, તા. 15 : કચ્છમાં 15મી એપ્રિલ પછી સરકારી જમીન પર તમામ જમીન દબાણ તોડી પાડવામાં આવશે તેવી ચેતવણી કચ્છના કલેક્ટરે આપી હતી, ત્યાં આજે પહેલા જ દિવસે અબડાસાનાં મોથાળા અને ધુફીના હાઇવે પરનાં નવ પાકાં બાંધકામ હટાવી દેવામાં આવતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. અબડાસાના મામલતદાર અશ્વિન વ્યાસના જણાવ્યા પ્રમાણે આજે પ્રાંત અધિકારી કે.જે. વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ મોથાળા અને ધુફી ગામે જાહેર માર્ગ પર સરકારી જમીન દબાવી ધંધો ચલાવતા કે ભાડાં વસૂલાતાં હતાં એ બાંધકામ તોડી પાડવામાં આવ્યાં છે. મોથાળામાં હાઇવે પર કુલ 14 દબાણ પૈકી આજે આઠ દુકાન-હોટલ તોડવામાં આવ્યાં છે. બે હજાર ચોરસ મીટર સરકારી જમીન પર અલગ-અલગ દબાણકારોએ પેશકદમી કરી હતી. અંદાજે અડધો એકરની આ જમીનની કિંમત 40 લાખ લેખાવાઇ હતી. નલિયા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ઝાલાના પોલીસ બંદોબસ્ત સાથે મશીનરી સાથે રાખી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર દિલીપ ઠાકોર તથા વિનોદ ચૌધરી, પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી હાથ ધરાઇ હતી. એવી જ રીતે ધુફીમાં પણ એક વ્યક્તિએ કરેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. મામલતદાર શ્રી વ્યાસના જણાવ્યા પ્રમાણે મોથાળામાં હજુ પાંચ દબાણ તોડવાનાં બાકી છે, નોટિસો આપી દેવામાં આવી છે, ચાર દિવસમાં હટી જવા જણાવાયું છે. જો નહીં હટે તો તોડી પાડવામાં આવશે. જો એક વખત દબાણ હટયા પછી એ જગ્યાએ ફરીથી કોઇ જમીન દબાવશે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ તો સીમતળ હેઠળનાં ગેરકાયદે બાંધકામ હટાવાયાં છે, હવે પછી ગામતળ વિસ્તારમાં પણ ધોંસ બોલાવતી કાર્યવાહી કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd