દક્ષિણ ભારતના ઘણા રાજ્યોનાં
રાજકારણમાં ફિલ્મી હસ્તીઓની બોલબાલા રહી છે.
ફિલ્મી પરદે સફળતા મેળવ્યા બાદ સત્તા સ્થાને પહોંચવાવાળા કલાકારોની યાદીમાં
હવે તામિલનાડુના મશહૂર અભિનેતા વિજયનું નામ માનભેર ઉમેરાયું છે. તામિલનાડુમાં જ એમ.જી. રામચંદ્રને રચેલા દ્રમુક
અને તે પછી જયલલિતાના અન્નાદ્રમુકે સત્તામાં દ્વિધુવ્રીય ચલણ સ્થાપિત કર્યું હતું. હવે ફિલ્મી સિતારાઓનો વારસો ધરાવતા આ બંને પક્ષના
દબદબાને વિજયના ટીવીકે પક્ષે સમાપ્ત કર્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં 108 બેઠક જીતનાર
વિજયે તામિલનાડુના મુખ્યમંત્રી પદે આવીને પહેલો મંત્રીમંડળ વિસ્તાર પણ કરી લીધો છે.
આમ તો ટીવીકે સૌથી મોટો પક્ષ બન્યો હતો, પણ તેની પાસે પૂરતા પ્રમાણમાં બહુમતી નહોતી,
વળી બે બેઠક પર ચૂંટણી લડીને બંનેમાં વિજયી બનનાર વિજયે ત્રિચી બેઠક છોડવવાની જાહેરાત
કરી, આમ તેમના પક્ષનું સંખ્યાબળ ઘટીને 107 થયું હતું. બીજી તરફ વિજયની સફળતામાં ભાગ પડાવવા મોટાભાગના રાજકીય
પક્ષો ઉત્સુક બન્યા હતા. કોંગ્રેસે ટીવીકેને શરતી ટેકો આપવાનો ઈરાદો તરત જ જાહેર કર્યો,
જેના દ્રમુકે નારાજગીના પ્રત્યાઘાત પણ આપ્યા.
અન્નાદ્રમુકના અમુક સભ્યો પોતાના પક્ષથી અલગ થઈને વિજયની સાથે થઈ ગયા છે, પરિણામે વિજયને ધાર્યા કરતાં વધુ બહુમતી-સમર્થન મળી ગયું
હતું. જો કે, ટીવીકે સાથે હાથ મિલાવીને કોંગ્રેસ તેના ઈન્ડિ જોડાણના સાથી દ્રમુકનો
દ્રોહ કરશે એવી પણ ચર્ચા શરૂ થઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, તામિલનાડુના રાજકારણમાં રામચંદ્રન
અને જયલલિતાની જબ્બર સફળતાથી પ્રેરાઈને ભૂતકાળમાં અભિનેતા વિજયકાંત અને કમલ હાસને નવા
રાજકીય પક્ષોની રચના કરીને રાજકારણમાં ઝંપલાવ્યું હતું. જો કે, તેમને કોઈ નોંધપાત્ર
સફળતા સાંપડી ન હતી, તે પછી રજનીકાંતે પણ 2020માં પોતાનો રાજકીય પક્ષ રચીને રાજકારણમાં હાથ અજમાવ્યો હતો.
તેમણે પણ હાથ ખેંચી લીધા હતા. બે વર્ષ અગાઉ વિજયે ટીવીકેની રચના સાથે ઝંપલાવ્યું અને
જોતજોતામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ખાસ તો વિજયે ફિલ્મોમાં સમાજ અને સરકારી વ્યવસ્થાને
સુધારતા હિરોના પાત્ર કરીને લોકચાહના મેળવી છે. હવે જોવાનું એ રહેશે કે, ફિલ્મોમાં
સિસ્ટમને સુધારતા આ હિરો વાસ્તવમાં કેટલા સફળ રહે છે. દાયકાઓ સુધી દ્રમુક અને અન્નાદ્રમુકની
સત્તા તળે રહેલા રાજ્યના વહીવટીતંત્રમાં વિજય કેવી રીતે નવસંસ્કરણ કરે છે, તેના પર
તેમના રાજ્ય અને દેશની નજર રહેશે.