ભુજ, તા. 27 : કચ્છમાં ભૂકંપ બાદ આવેલા ઉદ્યોગોનાં
કારણે મોટી સંખ્યામાં આવીને વસેલા ઉત્તર ભારતના લોકો દ્વારા દર વર્ષે છઠ્ઠપૂજાનું આયોજન
કરવામાં આવે છે, આ અંતર્ગત શહેરના આર.ટી.ઓ.
રિલોકેશન સાઈટ ખાતે આવેલા શ્રીજીનગર પાસે આવેલા
તળાવ પાસે હજારો લોકોએ સૂર્યની ઉપાસના કરી અર્ઘ્ય આપ્યું હતું. ભુજના ઉત્તર ભારતીય
સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચાર દિવસીય કાર્યક્રમના આજે ત્રીજા દિવસે મુખ્ય અતિથિ
તરીકે પશ્ચિમ કચ્છના એસ.પી. વિકાસ સુંડા દંપતી તેમજ આર.એસ.એસ.ના હિંમતસિંહજી વસણ,
રવજીભાઈ ખેતાણી, આ વિસ્તારના નગરસેવક કશ્યપ ગોર,
માધાપરના પૂર્વ સરપંચ અરજણભાઈ ભુડિયા, બી.એસ.એન.એલ.ના
અધિકારી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ છઠ્ઠપૂજા અંગે
વધુ વિગતો આપતાં સમાજના પ્રમુખ જગતનારાયણ રાયએ જણાવ્યું હતું કે, આ પરંપરા રામાયણ અને મહાભારત કાળથી ચાલી આવે છે. આ પૂજા માતાજી અને મહાભારત
કાળમાં માતા કુંતીએ તેમજ દાનેશ્વરી કર્ણે પણ સૂર્યોપાસના સાથે કરી હતી. તેમણે વધુમાં
જણાવ્યું કે, આ પૂજા દરમ્યાન 48 કલાક નિર્જળા ઉપવાસ રાખવામાં
આવે છે, જેમાં આવતીકાલે અંતિમ દિને ઊગતા સૂર્યને અર્ઘ્ય
આપી પૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં લોકો નદી,
તળાવ કે કોઈ પણ જળ સ્થળે એકત્ર થઈ સૂર્યની ઉપાસના કરે છે. આ છઠ્ઠપૂજામાં દરવર્ષે હજારો લોકો જોડાય
છે, પરંતુ આ વખતે બિહારમાં ચૂંટણી યોજાવાની હોવાથી
થોડી સંખ્યા ઘટી હતી તેમ છતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પૂજા દરમ્યાન સંગીત
સંધ્યાનો કાર્યક્રમ પણ હર્ષિત મિશ્રા અને રવિભાઈએ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન
સમાજના મંત્રી સંજયશરણ શ્રીવાસ્તવ, કોષાધ્યક્ષ અમોલ યાદવ,
ઉપપ્રમુખ ઈન્દ્રજિત પાલ,
સત્યમૂર્તિ ઝા, અજિત પાલ, સંતોષપ્રસાદ, આકાશ શ્રીવાસ્તવ, ડો. શિવાની, ધ્રુવિશા, અર્ચના વગેરે
ઉપસ્થિત રહ્યા હતા. આ તકે એસ.પી. શ્રી સુંડાએ ગાયક હર્ષિત મિશ્રાનું સન્માન કર્યું
હતું.