• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

પાટલીપુત્રની ગાદી કોને મળશે?

બિહાર વિધાનસભાની ચૂંટણી ઉપર સૌનું ધ્યાન છે. ચૂંટણી બિહારમાં છે, પણ તેની અસર નવી દિલ્હીમાં - રાષ્ટ્રીય રાજકરણ ઉપર પડશે તે વિશે બેમત નથી. એટલે જ ભાજપ-એનડીએની કસોટી છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત તમામ નેતાઓ પ્રચાર માટે આવ્યા છે. મંડલ પંચના જાતિવાદ પછી બિહારમાં જયપ્રકાશ નારાયણે ગુજરાતનાં નવનિર્માણ આંદોલનનું અનુકરણ કર્યું અને ભ્રષ્ટાચારી કોંગ્રેસ સરકારને વિદાય આપી. આ પછી ઇમર્જન્સી આવી અને ગઈ. 1977માં જનતા પાર્ટીના વિજયમાં બિહારે  ભાગ ભજવ્યો અને છેલ્લા ચાર દાયકાથી રાજ્ય લગભગ કોંગ્રેસ મુક્ત છે. રાજકીય મોરચે બિહાર હંમેશાં પહેલ કરે છે. આ વખતે રાહુલ ગાંધીએ વોટચોરી અને વોટર અધિકાર યાત્રાથી બિહારમાં એમનું અને કોંગ્રેસનું નામ ગાજતું કર્યું છે. રાષ્ટ્રીય જનતા દળના લાલુ-પુત્ર સાથે સમજૂતી કરી અને મહાગઠબંધન કરીને મોદી-નીતીશકુમારને પડકાર્યા છે. મહાગઠબંધને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે તેજસ્વી યાદવનું નામ જાહેર કર્યું છે, પણ કોંગ્રેસને તેમના ઉપર ભરોસો નથી. વળી લાલુ યાદવ સામે કેસ ચાલે છે અને જેલભેગા થાય એવી શક્યતા છે. એનડીએના નેતાઓએ નીતીશકુમારનું નામ જાહેર કર્યું નથી. વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહે પણ કહ્યું છે કે, નીતીશકુમારની આગેવાની હેઠળ એનડીએને 200 બેઠક મળશે. જો કે, મુખ્ય પ્રધાન નીતીશ જ હશે એવી કોઈ જાહેરાત થઈ નથી. શક્ય છે કે, બહુમતી મળે તો નીતીશ મુખ્ય પ્રધાન બનશે અને એમની સાથે ચિરાગ પાસવાન અથવા અન્ય નેતા નાયબ મુખ્ય પ્રધાન હશે. લોકસભાની-2024ની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી ખૂટતા આંકડા નીતીશકુમારના જનતા દળ અને ચંદ્રાબાબુ નાયડુના તેલુગુ દેસમ પક્ષે પૂર્યા તેથી એનડીએ સરકારને સ્થિરતા મળી છે. બિહારમાં 40માંથી 30 સભ્ય જનતા દળ, લોકજન શક્તિ પાર્ટી અને હિન્દુસ્તાની આવામ મોરચાના છે. તેથી બહુમતી મળે તેમાં એમની ભાગીદારી હશે. વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સામે ઇન્ડિ મોરચો છે. ચૂંટણી વ્યૂહના નિષ્ણાત ગણાતા પ્રશાંત કિશોરે જન સુરાજ પાર્ટી બનાવી છે. તેઓ ઉમેદવારી કરતા નથી, પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. તેથી વિપક્ષી મોરચાના વોટ તોડશે એવી ગણતરી છે. એમનું નામ નવું નથી, પણ પદયાત્રા કરીને આખા રાજ્યમાં ઘૂમી વળ્યા છે. તેથી લોકોને ઉમેદવારોના નવા ચહેરા જોવા મળ્યા છે. ચૂંટણીનાં પરિણામ પહેલાં જ પ્રશ્ન મુખ્ય પ્રધાનના ચહેરાનો છે. મહાગઠબંધન ઇન્ડિ મોરચામાં કોંગ્રેસે નાછૂટકે તેજસ્વી યાદવની ઉમેદવારી જાહેર કરી છે, જ્યારે એનડીએને બહુમતી મળે તો મુખ્ય પ્રધાન કોણ બનશે ? નીતીશકુમારનાં નામની સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ એમને ચાલુ રાખવા પડશે - સાથે નાયબ મુખ્ય પ્રધાન યુવા નેતા ચિરાગ પાસવાન બની શકે છે. નીતીશકુમાર અત્યારે નવમી વખત મુખ્ય પ્રધાનપદે છે અને એમના સ્વાસ્થ્ય અંગે વિપક્ષો પ્રશ્નો અને ઘણી ટીકા કરી રહ્યા છે, પણ ચૂંટણી પ્રચારમાં નીતીશ સક્રિય છે અને આક્રમક પણ છે. એમણે ઘણી વખત પક્ષપલટા કર્યા છે, તેથી `પલટુરામ'નું બિરુદ પામ્યા છે છતાં `સુશાસન બાબુ' તરીકે લોકપ્રિય છે. ભૂતકાળમાં છેલ્લી વિધાનસભા વખતે એમણે જાહેરમાં કહ્યું હતું કે, આ છેલ્લી વખત ચૂંટણી લડું છું. હવે પક્ષપલટાનો પ્રશ્ન નથી - મૈં ભટક ગયા થા, અભી નહીં - એવું વચન આપ્યું છે. - તેજસ્વી યાદવની ઉમેદવારી : આશ્ચર્ય નથી : બિહાર વિધાનસભાના ચૂંટણીજંગમાં રાષ્ટ્રીય જનતા દળના `સુપ્રીમ લીડર' - લાલુ યાદવના પક્ષના ગાદીવારસ તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાનપદ માટે મહાગઠબંધનના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા   છે ! આવી જાહેરાત કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અથવા તો રાહુલ ગાંધીએ કેમ કરી નહીં ? બિહારમાં તેજસ્વી યાદવ બેતાજ બાદશાહ છે અને મુખ્ય પ્રધાનપદ માટેના દાવેદાર છે એમ રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ અને કાર્યકરો કહે છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ગજ વાગતો નથી એમ ખુલ્લેઆમ કહે છે. કોંગ્રેસનો દેખાવ અત્યાર સુધી ચૂંટણીમાં કંગાળ રહ્યો છે, પણ આ વખતે વોટચોરીનો `એટમ બોમ્બ' બતાવીને રાહુલ ગાંધી બિહારમાં `હીરો' બનવા માગતા હતા. એમણે `વોટર અધિકાર યાત્રા' કરી અને તેમાં લોકોનો ઉત્સાહ જોઈને એમનો આત્મવિશ્વાસ વધી ગયો. આ યાત્રામાં તેજસ્વી જોડાયા, પણ મુસ્લિમ-યાદવ વોટ બેન્ક માટે ! છતાં રાહુલની યાત્રામાં તેજસ્વી હાંસિયામાં જ રહ્યા તેથી રાષ્ટ્રીય જનતા દળમાં ખતરાની ઘંટી વાગવા લાગી અને તેજસ્વીએ અલગ - બિહાર અધિકાર યાત્રા શરૂ કરી, પણ ક્યાંય રાહુલ ગાંધીનું સૂત્ર - વોટચોરીનો ઉલ્લેખ ર્ક્યો નહીં. વોટચોરીનો મુદ્દો અને નેતા રાહુલ ગાંધી તખતા ઉપર બિહારના નેતા દેખાય નહીં તેની સાવધાની રાખી. ત્યાં સુધી કે પત્રકાર પરિષદમાં મંચ ઉપર રાહુલ ગાંધીનો ફોટો પણ રાખ્યો નહીં. બિહારમાં એકમાત્ર નેતા તેજસ્વી યાદવ જ હોવા જોઈએ ! આ અગાઉ પણ રાહુલ ગાંધીને જ્યારે જ્યારે મુખ્ય પ્રધાન વિશે પ્રશ્ન પૂછાયા, ત્યારે એમણે જવાબ ટાળ્યા હતા. તેજસ્વીનું નામ આપવા તૈયાર નહોતા. વાસ્તવમાં કોંગ્રેસને પાકી આશંકા છે કે, તેજસ્વી યાદવ અને ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવનો ઈજારો છે અને કોંગ્રેસને જાકારો આપશે. એક વાત ચોક્કસ છે કે, આરજેડીના સાથ વગર કોંગ્રેસને બેઠકો મળવાની આશા નથી, તેથી આખરે જયપુરથી પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને બોલાવ્યા અને એમની પાસે તેજસ્વીનાં નામની જાહેરાત કરાવી છે. બેઠકોની વહેંચણીમાં આ પહેલી વખત કોંગ્રેસે `હાથ' ઉપર રાખ્યો પણ ચૂંટણીનાં પરિણામ પછી નેતા ચૂંટવામાં વધુ ગરબડ થાય નહીં તેથી અત્યારે તેજસ્વીને મનાવી લીધા છે : મન મનાવવાથી દિલ માની જશે ? ચૂંટણીનાં પરિણામ પછી જવાબ મળશે. ભાજપ-એનડીએ પાસે નીતીશનો વિકલ્પ નથી. એમના સહારે અને મોદીનાં નામે વોટ મળવાનો વિશ્વાસ છે. એમણે પછાત જાતિઓ, અંત્યજપસમંદા મુસ્લિમ અને મહિલાઓ માટે કલ્યાણ યોજનાઓ જાહેર કરી છે. તેજસ્વીએ પરિવારદીઠ એક વ્યક્તિને નોકરી આપવાની જાહેરાત કરી છે, ત્યારે નીતીશે અત્યાર સુધીમાં પચાસ લાખ યુવાનોને નોકરી આપી હોવાનો હિસાબ આપ્યો અને એક કરોડના લક્ષ્યાંકનું વચન આપ્યું છે. મુખ્ય પ્રધાનપદ માટે નામ જાહેર થયા બાદ તેજસ્વી યાદવે એનડીએને પડકાર કર્યો છે કે, મારી સામે નીતીશકુમારનું નામ જાહેર કેમ કરતા નથી ? તેજસ્વીએ નીતીશને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કર્યો છે કે, મહારાષ્ટ્રના એકનાથ શિંદે જેવા હાલ થશે ! પણ નીતીશકુમારે ઘણા અનુભવ લઈ લીધા છે અને એમને વડાપ્રધાન મોદી તથા અમિતભાઈ શાહ ઉપર વિશ્વાસ છે. પાંચ વર્ષ પહેલાં ભાજપના 74 વિધાનસભ્ય હતા અને જનતા દળ (યુ)ના માત્ર 43 હતા, તો પણ ભાજપે નીતીશને મુખ્ય પ્રધાનપદે બેસાડયા હતા. અલબત્ત, ભાજપ પાસે વિકલ્પ નહોતો અને નીતીશે ત્રાગું કર્યું હતું ! આ વખતે ભાજપે 101 બેઠક રાખી છે અને એનડીએ મોરચાની ચૂંટણી નેતાગીરી નીતીશને સોંપી છે. તેથી મુખ્ય પ્રધાનપદનો સંકેત સ્પષ્ટ છે. સ્પષ્ટ બહુમતી મળે તે પછી નાયબ મુખ્ય પ્રધાન પણ નીમવામાં આવશે. ભાજપે જનતા દળ (યુ)ના મોટા ભાગના નેતાઓને વિશ્વાસમાં લીધા છે. તેથી હવે નીતીશકુમાર પક્ષપલટો કરવાની હિંમત નહીં કરે એમ મનાય છે. છતાં એમનું નામ એડવાન્સમાં જાહેર નહીં કરવા પાછળ ભાજપ માટે આ કારણ છે. નીતીશ શું કરી શકે ? શું કરશે ? તે પ્રશ્નના જવાબ પરિણામ-આંકડાના આધારે જણાશે. 6 અને 11 નવેમ્બરે મતદાન થયા પછી 14મીએ જાણવા મળશે કે પાટલીપુત્રની ગાદીએ કોણ બેસશે. 

Panchang

dd