• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

વાયોર પંથક વિસ્તારમાં વીજ-પાણી સમસ્યાથી લોકો ત્રસ્ત

વાયોર (તા. અબડાસા), તા. 27 : તાલુકાના ગરડા પંથક વિસ્તારના ગામોમાં વીજ સમસ્યા તેમજ પાણીની તકલીફ અંગે ફરિયાદ કરાઇ હતી. જો તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે જવાની ચીમકી ગામલોકો દ્વારા અપાઇ હતી. પંથકના વાયોર, જેડમલપર, ઉકીર, વાગોઠ, ફુલાય, વાઘાપદ્ધર જેવા બાવન ગામ આવેલા છે. વાયોર અને જેઠમલપર ગામે ઘણા સમયથી વીજ અને પાણી સમસ્યા છે. છેલ્લા ચાર માસથી વીજ ધાંધિયા હોવાનું, 24 કલાકમાં ફક્ત 14 કલાક વીજ મળે છે અને અવારનવાર ફોલ્ટના બહાના બતાવી લાઇટ કનેક્શન કાપવામાં આવતા હોવાની ફરિયાદો કરાઇ હતી. તેમજ જાહેર રસ્તા પર બંને બાજુ બાવળ વધી જતાં તેને કાપવાની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. પીજીવીસીએલ દ્વારા આજુબાજુના ગામોમાં સુવિધા અપાતી નથી તેમજ મોટા બિલ આવતા હોવાના આક્ષેપો કરાયા હતા. ઉચ્ચતર કક્ષાએ આ અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી તેમજ ધંધા-રોજગારમાં પણ નુકસાની વેઠવી પડે છે. વીજ તેમજ પાણી સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે જશે તેવી ચીમકી અપાઇ હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd