ભુજ, તા. 27 : આજે બપોરે મુંદરાની આર.ડી.
સ્કૂલ પાસે શાત્રી મેદાનની સામે બન્ને પગે અપંગ એવા 60 વર્ષીય વૃદ્ધ દાઉદ અબુભખર જુણેજા
ખસકીને જતા હતા ત્યારે કારે તેને કચડી નાખતાં તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.
જ્યારે ગત તા. 22/10 રાત્રે મોટા કપાયાનો 40 વર્ષીય યુવાન નરેન્દ્રકુમાર
હરેશભાઈ ચૌહાણ મોટા કપાયાથી ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ પાસે પગે જતાં બાઈકે અડફેટે લેતાં
ગંભીર ઈજાના લીધે તેનું મૃત્યું થયું હતું. બન્ને પગેથી અપંગ અને અપરણિત મુંદરાના સુખપરવાસમાં
રહેતા 60 વર્ષીય દાઉદ જુણેજા તેમના નિત્યક્રમ
મુજબ આર.ડી. સ્કૂલના ખૂણા પાસે બેઠા હતા અને બપોરે 1.30 વાગ્યાના અરસામાં તે ખસકીને શાત્રી મેદાન સામેથી પસાર થતા હતા
ત્યારે અર્ટિગા કાર નં. જી.જે.-બી.આર.- 7110વાળીના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી તેઓને અડફેટે લેતાં માથાંના
ભાગે ગંભીર ઈજા પહોંચાડતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ
અંગે મૃતકના બહેન હલુબાઈ શેખે મુંદરા પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં
પોલીસે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે. અન્ય એક અકસ્માત
મોતનો ગુનો મુંદરા પોલીસ મથકે આજે નોંધાયો છે. મોટા કપાયામાં રહેતો અપરિણીત નરેન્દ્રકુમારના
માતા-પિતા અને ભાઈ પણ મૃત્યુ પામ્યા છે. ગત તા. 22/10ના રાતે આઠ વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર પગે ચાલીને જમવાનું
પાર્સલ લેવા જતો હતો ત્યારે મોટા કપાયથી ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ પાસે બાઈક નં. જી.જે.-12 સી.એસ.- 7242વાળાના ચાલકે બાઈક બેદરકારીથી
ચલાવી નરેન્દ્રકુમારને અડફેટે લેતાં માથાંમાં ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું
હતું. મુંદરા પોલીસે બાઈકચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા અંગેનો ગુનો નોંધી
કાર્યવાહી કરી છે.