• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

ગુજરાત સહિત 12 રાજ્યમાં આજથી જ `સર'

નવી દિલ્હી, તા. 27 : બિહાર બાદ હવે ચૂંટણીપંચ દ્વારા દેશભરમાં એસઆઈઆર (સર) પ્રક્રિયા શરૂ કરવાની ઘોષણા કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું હતું કે, 12 રાજ્યમાં મતદારયાદીના એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)નો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે અને આવતીકાલ મંગળવારથી જ કામગીરી શરૂ થઈ જશે, જ્યારે 7 ફેબ્રુઆરી 2026ના અંતિમ મતદારયાદીનું પ્રકાશન કરવામાં આવશે. આ પહેલાં સોમવારે રાતથી મતદારયાદી ફ્રીઝ કરી દેવામાં આવી હતી. પ્રક્રિયા દરમિયાન મતદારયાદીના અપડેશન, નવા મતદારનાં નામ જોડવા અને ત્રુટિઓને સુધારવાનું કામ કરવામાં આવશે. બીજા તબક્કામાં 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયા થશે. આ 12 રાજ્યમાં અંદામાન- નિકોબાર, ગોવા, પોંડિચેરી, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને લક્ષદ્વિપ સામેલ છે.  સીઈસી જ્ઞાનેશકુમારે કહ્યું હતું કે, અભ્યાસ દરમિયાન બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) પ્રત્યેક મતદાતાનાં ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત કરશે, જેથી નવા મતદારને યાદીમાં જોડી શકાય અને કોઈ પણ ભૂલને સુધારી શકાય. જ્ઞાનેશકુમાર અનુસાર બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ-6 અને ડિક્લેરેશન ફોર્મ એકત્રિત કરશે. નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને ઈઆરઓ (ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર) અથવા એઈઆરઓને સોંપશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, ફેઝ-2ની ટ્રેઈનિંગ મંગળવારથી શરૂ થશે. મુદ્રણ / પ્રશિક્ષણનું કામ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ચાલશે, જ્યારે ઘરે ઘરે ગણતરીની પ્રક્રિયા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી થશે. ડ્રાફ્ટ મતદારયાદીનું પ્રકાશન 9 ડિસેમ્બર, 2025ના  કરવામાં આવશે. દાવા અને વાંધાની અવધિ નવ ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆર,u 2026 સુધી ચાલશે, જે લોકોને નોટિસ જશે તેની સુનાવણી અને ખરાઈ 9 ડિસેમ્બર, 2025થી 31 જાન્યુઆરી, 2026 સુધી થશે. અંતિમ મતદારયાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી, 2026ના કરવામાં આવશે. આ સાથે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, આગામી બે દિવસની અંદર રાજનીતિક દળો સાથે મળીને એસઆઈઆર પ્રક્રિયાની જાણકારી આપવામાં આવે તેમજ વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને કમજોર વર્ગને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે લોકોની તૈનાતી કરવામાં આવશે. જ્ઞાનેશકુમારે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ મતદાર કેન્દ્રમાં 1,200થી વધારે મતદારો નહીં રહે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારે કહ્યું હતું કે, તેઓ બિહારના મતદાતાઓને શુભકામના આપે છે અને 7.5 કરોડ મતદાતાને નમન કરે છે, જેઓએ બિહાર એસઆઈઆર પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવીને સફળ બનાવી છે. હવે જે રાજ્યોમાં એસઆઈઆર થવાનું છે ત્યાંની મતદારયાદી સોમવારે રાત્રે જ ફ્રીઝ કરી દેવામાં આવશે. જ્ઞાનેશકુમાર અનુસાર એવા ઘણા કારણો છે, જેના લીધે એસઆઈઆર પ્રક્રિયાની જરૂરિયાત છે, જેમાં વારંવાર પલાયન સામેલ છે, જેનાં કારણે મતદાતાઓનું એકથી વધારે જગ્યાએ રજિસ્ટ્રેશન થયું હોય છે. મૃત મતદાતાનાં નામ હટાવવામાં આવે છે અને કોઈ વિદેશીનું ખોટી રીતે યાદીમાં નામ ઉમેરાયું હોય તો તેને સુધારવાની કામગીરી સામેલ છે. 

Panchang

dd