ભુજ, તા. 27 : ભચાઉના ચાંદીપારખુ અને દાગીનાનું
કામકાજ કરતા શખ્સને ભુજની ઠગ ટોળકીએ સસ્તાં સોનાંની લાલચ આપી રોકડા રૂા. 12 લાખ લઇ લીધા બાદ `પાછળ કસ્ટમ પડી હોવાથી આગળ જાવ માલ આપું...' જેવી આ મોડસ ઓપરેન્ડીથી અનેક ઠગાઇ ગયાના દાખલા
છે તે અપનાવીને ઠગી લીધાની પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પાંચેક માસ પૂર્વે થયેલી
આ છેતરપિંડી અંગે ગઇકાલે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે ભચાઉના ચંદ્રકાંત ક્રિષ્નાદેવ ગાયકવાડે
નોંધાવેલી ફરિયાદ મુજબ તેનું કામ ચાંદીના દાગીનાનું લેબોરેટરી ટેસ્ટિંગ કરવાનું અને
ચાંદીના દાગીનાનું છે. ગાંધીધામમાં તેમના પુત્ર ઋષિકેશની કાપડની દુકાન છે. પાંચ-છ માસ
પૂર્વે ઋષિકેશની દુકાન પાસેની ચાની હોટેલ પર સુખપર (ભુજ)નો ગોવિંદ મારવાડી ચા પીવા
આવતો હતો, જેથી મિત્રતા થતાં અને ઋષિકેશે ચાંદીના દાગીનાનું અમારું
કામકાજ હોવાનું કહેતાં ગોવિંદે કહ્યું કે, હું તમને ભુજથી સસ્તું
સોનું અપાવી દઇશ. આથી ફરિયાદીના સંપર્ક નંબર લઇ ગોવિંદના ફોન આવવા ચાલુ થયા હતા. 30 મેના ફરિયાદી કાર લઇને ભુજ
આવ્યા બાદ ઠગ ટોળકીએ ફરિયાદીને શીશામાં ઉતારી સેમ્પલ તરીકે ખરાં સોનાંનું બિસ્કિટ બતાવી
રોકડા રૂા. 12 લાખ મેળવી લીધા બાદ માલની ડિલિવરી
આપવા વખતે પાછળ કસ્ટમ પડી હોવાનો જાસો આપી કાર ક્યાંય ન રોકો આગળ જવા દો... આગળ જવા
દો... કહી ભચાઉ સુધી પહોંચાડી બાદમાં સોનું આપવાના ખોટા વાયદા આપ્યા હતા. આ બાદ આપેલા
નંબર પર વારંવાર ફોન કરવા છતાં કોઇ પ્રત્યુત્તર ન મળતાં ફરિયાદી ભુજ આવીને આ લોકોની
પૂછપરછ કરતાં આરોપીઓનાં સાચાં નામ જાણવા મળ્યાં હતાં, જેમાં સુખપરના ગોવિંદ મારવાડીનું સાચું નામ
ગૌતમ કેશારામ રાવ (રહે. સુખપર) છે અને સાથેના મામદ સિદ્દિક ફકીર સોઢા (રહે. ખરોડા,
તા. લખપત), ઇજાજ ઉર્ફે લાખો સિદ્દિક હિંગોરજા
(રહે. મુસ્તફાનગર, ભુજ), સોયબ મામદ કકલ
(રહે. મદિનાનગર-2, ભુજ) અને
ઉરસ ઇલિયાસ સોઢા (રહે. સુખપર-ભુજ) હોવાનું સામે આવતાં તેઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ
નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી છાનબીન આદરી છે.