• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

મહાનગરપાલિકાએ મુખ્ય રસ્તાઓ ઉપર ખાસ સફાઈ ઝુંબેશ શરૂ કરી

ગાંધીધામ, તા. 27 : ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 11 જેસીબી અને 11 ડમ્પર સહિતની મશીનરી સાથે રોડની ઉપર અને સાઈડમાં જે મલબો પડયો છે તેને ઉપાડવામાં આવશે અને રસ્તાઓ ઉપર ઊગી નીકળેલા બાવળોને કાપીને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવશે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહિને એજન્સીને ચૂકવાતા 1.42 કરોડ ઉપરાંત લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે સંકુલના નાગરિકો તંત્રને 188 ચોરસ કિલોમીટર ના વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહભાગી થઈને સહકાર આપે તે જરૂરી છે. મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ અને સફાઈ વિભાગના અધિકારીઓએ ગાંધીધામના ગુરુકુળ વિસ્તાર તથા આદિપુરના વોર્ડ પાંચ એ, બી, સહિતના વિસ્તારોમાં શરૂ કરાયેલી ખાસ સફાઈ ઝુંબેશ નું નિરીક્ષણ કર્યું હતું અને સફાઈની કામગીરી ઝડપથી થાય તે માટે કમિશનરે જરૂરી સૂચનાઓ પણ અધિકારીઓ અને કર્મચારીઓને આપી હતી. વિસ્તાર મોટો છે એટલે હાલના સમયે આ ખાસ સફાઈ ઝુંબેશમાં જોડિયા શહેરોના મુખ્ય વિસ્તારોને મુખ્ય માર્ગો ઉપર કામગીરી કરવામાં આવશે. સફાઈ માટે મશીનરી લગાવવામાં આવી છે, તેની ઉપર નિરીક્ષણ અને દેખરેખ થાય તે પણ એટલું જ જરૂરી છે. મહાનગરપાલિકા જોડિયા શહેરોને અને ગ્રામીણ વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પૂરી તાકાત લગાડી રહી છે. એટલે નાગરિકોએ પણ પોતાની શેરી ગલી, વિસ્તાર પોતાનું શહેર તેમજ ગામ ને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સહકાર આપવો જોઈએ અને જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવવા થી બચવું જોઈએ તો જ મહાનગરપાલિકા વિસ્તાર સ્વચ્છ અને સુંદર બનશે. કમિશનર પણ અનેક વખત લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અને સહકાર આપવા અનુરોધ કરી ચૂક્યા છે. મહાનગરપાલિકા હાલના સમયે સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, તેવામાં એજન્સીની કામગીરી ઉપર પણ નજર જરૂરી છે. એજન્સીની ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની દિશામાં કમિશનરે પગલા ભરવા જોઈએ તો નાગરિકોએ પણ સાથ સહકાર આપવો જોઈએ. હાલના સમયે પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં જેસીબી અને ડમ્પરો સહિતની મશીનરી સાથે ખાસ સફાઈ ઝુંબેશ શરૂ કરી છે. તહેવાર બાદ આ સફાઈ ઝુંબેશ જોડિયા શહેરો અને સંકુલ માટે મહત્વની છે. નાગરિકોને જાહેરમાં કચરો ન ફેંકવા કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

Panchang

dd