મુંબઇ, તા. 27 : મહિલા વન ડે વર્લ્ડ કપના ઓસ્ટ્રેલિયા
વિરુદ્ધના ગુરુવારે રમાનાર સેમિ ફાઇનલ મુકાબલા પૂર્વે ભારતીય ટીમને મોટો ફટકો પડયો
છે. ઇનફોર્મ ઓપનિંગ બેટર પ્રતિકા રાવલ ઇજાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગઇ છે. ભારતીય
મહિલા ટીમ ગુરૂવારે ઓસ્ટ્રેલિયા સામે સેમિ ફાઇનલ રમશે. આ મેચનો હિસ્સો પ્રતિકા રાવલ
બની શકશે નહીં. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો આ ખિતાબી મુકાબલામાંથી પણ પ્રતિકા
રાવલ બહાર રહેશે. તેણીએ મહિલા વન ડે વિશ્વ કપમાં 6 ઇનિંગમાં પ1.33ની સરેરાશથી કુલ 308 રન કર્યાં છે. જેમાં ન્યુઝીલેન્ડ સામેની 122 રનની ઇનિંગ સામેલ છે. ઓપનર
પ્રતિકા રાવલને ગઇકાલે અંતિમ લીગ મેચ દરમિયાન પગમાં ઇજા થઇ હતી. વરસાદગ્રસ્ત બાંગલાદેશ
સામેના રવિવારે રાત્રે રમાયેલી આ મેચમાં પ્રતિકા રાવલની ઇનિંગની 21મી ઓવરમાં ફિલ્ડીંગ કરતી વખતે ઘૂંટણમાં
ઇજા થઇ હતી. તેણીને દર્દ સાથે મેદાન છોડવું પડયું હતું અને બાદમાં ભારતના દાવ વખતે
બેટિંગમાં ઉતરી ન હતી. તેના સ્થાને સ્મૃતિ સાથે અમનજોતે દાવનો પ્રારંભ કર્યો હતો. મેચ
બાદ ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે જણાવ્યું કે પ્રતિકાની ઇજા પર અમે નજર રાખી રહ્યા
છીએ. તેની સ્થિતિ એકાદ દિવસમાં સ્પષ્ટ થશે. બીજી તરફ ભારતીય મહિલા ટીમની પૂર્વ કપ્તાન
અને કોમેન્ટેટર મિતાલી રાજે જણાવ્યું કે પ્રતિકા રાવલના સ્થાને સેમિ ફાઇનલમાં સ્મૃતિ
મંધાના સાથે હરલીન દેઓલ પાસે ભારતના દાવનો આરંભ કરાવવો જોઇએ.