ગાંધીધામ, તા. 27 : ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ
થયેલા મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તારો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. છેવાડાના વિસ્તારો
તરફ અગાઉ ગ્રામ પંચાયતે ઉદાસીનતા ભર્યું વલણ અપનાવ્યું હતું. મહાનગરપાલિકા બન્યા પછી
આ વિસ્તારમાં સમસ્યા હલ કરવા માટે જે પગલાં ભરાવવા જોઈએ તે દિશામાં હજુ સુધી ધ્યાન
આપવામાં આવ્યું નથી. તેના કારણે લોકોને ગટર સફાઈ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો પીવાનું પાણી ન મળતું હોવાથી મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે. સોસાયટી વિસ્તારોમાં ગટર
અને સફાઈની ગંભીર સમસ્યાઓ છે. લોકોનાં ઘરની આસપાસ ચોતરફ ગટરના દૂષિત અને ગંદાં પાણીના
તળાવો ભરાયા છે તો આંતરિક વિસ્તારોમાં સફાઇ થતી નથી. જેનાં કારણે હવે રોગચાળાનો ખતરો
પણ ઊભો થયો છે. ખાસ કરીને તહેવારો ગયા બાદ આમ પણ તાવ, ઉધરસ,
શરદી અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી છે, તેવામાં ગંદકીનાં કારણે પણ સ્થિતિ વધુ ગંભીર બને તેવી વકી છે. મેઘપર કુંભારડી અને મેઘપર બોરીચી વિસ્તારના લોકો
ગટર અને સફાઈની સમસ્યાને લઈને વારંવાર મહાનગરપાલિકા કચેરી આવ્યા છે. અધિકારીઓને રજૂઆતો
કરી છે તેમ છતાં ધાર્યું પરિણામ મળતું નથી. વહીવટી તંત્ર ધ્યાન આપતું નથી તેનાં કારણે
આ વિસ્તારોની સ્થિતિ અત્યંત ખરાબ છે.