નવી દિલ્હી, તા. 27 : સુપ્રીમ કોર્ટે
સોમવારે રખડતા શ્વાનોના મામલામાં સોગંદનામું દાખલ નહીં કરવા બદલ પશ્ચિમ બંગાળ અને તેલંગાણા
સિવાય તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા ફરમાન કર્યું હતું. જસ્ટિસ વિક્રમ નાથે
એવી ચેતવણી આપી હતી કે રાજ્યોના મુખ્ય સચિવો
હાજર નહીં થાય તો તેમને દંડ કરાશે અથવા કઠોર પગલાં લેવાશે. અદાલતે નારાજગી વ્યક્ત કરતાં
કહ્યું હતું કે, થોડાંક જ રાજ્યોએ સોગંદનામું
દાખલ કર્યું છે. સતત એવી ઘટનાઓ બની રહી છે જેથી વિદેશોમાં ભારતની છબી ખરાબ થઇ રહી છે.
કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ત્રીજી નવેમ્બરના રૂબરૂ
હાજર થવા આદેશ આપ્યો હતો. હકીકતમાં 22મી ઓગસ્ટના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રખડતા શ્વાનોના
મુદ્દે સોગંદનામું આપવાનો નિર્દેશ અપાયો હતો. મૂળ કચ્છના નિલય અંજારિયાને સમાવતી ન્યાયમૂર્તિ
વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલા પર સોમવારે સુનાવણી કરી હતી. સુપ્રીમ
કોર્ટે કહ્યું હતું કે, સુનાવણી દરમ્યાન
સોગંદનામું આપવામાં વિફળ રહેલાં રાજ્યો તરફથી કોઇ પ્રતિનિધિત્વ નહોતું.