ગાંધીધામ, તા. 27 : ગાંધીધામ સંકુલમાં દબાણો ના
કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. જોડિયા શહેરોના લગભગ વિસ્તારોમાં અતિક્રમણ છે તેના
કારણે રોડ રસ્તા સાવ સાંકડા થઈ ગયા છે. આવશ્યક સેવાઓ ઉપર ગંભીર અસર પડી રહી છે. મહાનગરપાલિકાએ
કાર્યવાહી કરી છે, પરંતુ મનપા
વિસ્તારને દબાણ મુક્ત કરવા માટે લાંબી અને નિયમિત કાર્યવાહી કરાશે તો લક્ષ સુધી પહોંચી
શકે છે અને મનપાની મશીનરી અને ખર્ચ બચે તે દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે. જેના પગલે
જ નાયબ મ્યુનિસિપલ કમિશનરે વીડિયોના માધ્યમથી કોર્પોરેશનની રાહ જોયા વગર સ્વેચ્છાએ
લોકો દબાણ દૂર કરે તેવી તાકીદ કરી છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ટાગોર
રોડ થી ગુરુકુળ ના ગેટ સુધી અને ત્યાંથી રમતગમત સંકુલ સુધીમાં રોડ ઉપર અતિક્રમણ કરનાર
70 લોકોને નોટિસ આપવામાં આવી છે
અને સમય મર્યાદા ની અંદર દબાણ દૂર કરવા માટે કહ્યું છે. લાભ પાંચમની શુભેચ્છા સાથે
જ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે વીડિયોના માધ્યમથી લોકોને જાહેરમાં ગંદકી ફેલાવવાથી
બચવા માટે કહીને દબાણ ઉપર થયેલી કાર્યવાહી અંગે વેપારીઓના સહકારની સરાહના કરી હતી.
વીડિયો સંદેશમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે તેવું કહીને લોકો કોર્પોરેશનની રાહ જોયા
વગર સ્વેચ્છાએ રોડ રસ્તા ઉપર થી દબાણો દૂર કરીને રસ્તાઓ ખુલા કરે એવું કહ્યું હતું.
લોકોએ પોતે કરેલું દબાણ તેના ધ્યાને હોય છે. વર્ષો સુધી દબાણ કરીને સરકારી જમીનનો ઉપયોગ
કર્યો છે, તે બદલ મહાનગરપાલિકા નો આભાર માનવો જોઈએ અને
હવે રોડ રસ્તા ખુલ્લા કરવા માટે લોકોએ સ્વેચ્છાએ આગળ આવીને પોતે કરેલા દબાણો દૂર કરવા
જોઈએ. મહાનગરપાલિકા નોટિસ આપે કે ન આપે પણ લોકોએ સ્વેચ્છાએ સરકારી જમીન ખુલી કરી દેવી
જોઈએ. જો લોકો અધિક્રમણ દૂર નહીં કરે તો મહાનગરપાલિકા આગામી સમયમાં કડક કાર્યવાહી કરીને
દબાણો દૂર કરશે તેવું તેમણે જણાવ્યું હતું. મનપાએ અત્યાર સુધીમાં લગભગ એક હજારની આસપાસના
દબાણ ઉપર કાર્યવાહી કરીને રોડ રસ્તા અને ગટર લાઈન ખુલી કરાવી છે. દબાણો વ્યાપક છે એટલે
સતત અને નિરંતર કાર્યવાહી કરવી જરૂરી છે અને નાયબ મ્યુનિસિપલ કમિશનરે સંદેશ પણ આપી
દીધો છે ને તેના પગલે જ ગુરુકુળ વિસ્તારમાં અને રમતગમત સંકુલ સુધીમાં રોડ ઉપર દબાણ
કરનાર 70 લોકોને સ્વેચ્છાએ અધીક્રમણ
દૂર કરવા માટેની નોટિસ આપી છે. - મનપાને વેરો ભરો, આધુનિક રોડ રસ્તા બનશે : નાયબ મ્યુનિસિપલ કમિશનરે મહાનગરપાલિકા વિસ્તારના લોકોને નિયમિત
રીતે વેરો ભરપાઈ કરવા માટે અનુરોધ કર્યો છે અને 31 માર્ચ સુધીમાં બાકી લેણા ભરી દેવા જણાવીને વેરા વસુલાત માટે
કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશો આપીને આગામી સમયમાં ફૂટપાથ ડિવાઈડર સાથે આધુનિક
રસ્તાઓ બનાવવાનું આયોજન ઘડાયું છે અને થોડા જ સમયમાં તેનું પરિણામ પણ દેખાશે આ ઉપરાંત
બગીચાઓ અને તળાવોને પણ વિકસિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.