• શનિવાર, 07 જૂન, 2025

હવાઇ ક્ષેત્રનું બજાર વૈશ્વિક રાહ પર

આજે આપણો દેશ પહેલાં કરતાં વધુ આત્મવિશ્વાસથી થનગની રહ્યો છે અને છેલ્લા દશકમાં ઘણો બદલાવ આવ્યો છે. દરેક ક્ષેત્રમાં વિકાસની તેજી હરણફાળ ભરી રહી છે, તેમાં વિમાની સેવાઓ પણ અત્યારે ઝડપથી આગળ આવી રહી છે. આ ક્ષેત્ર આગળ પડતી વૈશ્વિક વિમાની કંપનીઓ માટે ઉમદા રોકાણની તક ઊભી કરે છે. ભારતનું દેશનાં હવાઇ ક્ષેત્રનું બજાર 2030 સુધી વિશ્વનું ત્રીજું સૌથી મોટું હવાઇ ક્ષેત્રનું બજાર હશે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસીએશનના વાર્ષિક સંમેલનમાં યોગ્ય જ કહ્યું છે. તેમણે સાથે  એવુંય કહ્યું કે, અત્યારે દેશમાં રોકાણનો  સાચો સમય છે અને ભારતમાં તેની ભરપૂર સંભાવના છે. દેશનું વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા માટે દરેક સ્તરે પ્રયાસ થઇ રહ્યા છે. હકીકતે ભારત એક એવા બદલાવના દોરમાંથી પસાર થઇ રહ્યું છે, જેમાં આર્થિક પડકારો સાથે સંખ્યાબંધ તકો પણ ખૂલી છે. મોદી સરકારની  મેઇક ઇન ઇન્ડિયા નીતિ પણ દેશને  વૈશ્વિક નિર્માણ કેન્દ્ર બનાવવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. આ નીતિ હેઠળ જ રોકાણ, નવાચાર, બુદ્ધિમત્તાનો  ઉપયોગ અને વિશ્વસ્તરીય માળખાંના વિકાસમાં વધારો થઇ રહ્યો છે. સરકાર, રોકાણકારો અને ઉદ્યમીઓ ભારતના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ માટે આશાવાન બન્યા છે અને સરકાર પણ અન્ય ક્ષેત્રોની સાથે એરપોર્ટ અને બંદરો પર માળખાંગત વિકાસનાં કામોમાં રોકાણ કરી રહી છે. તેને કારણે વિકાસને તેજી મળી છે. ઉત્પાદન ક્ષેત્રને ફાયદો થઇ રહ્યો છે. અલબત્ત ચીન વૈશ્વિક ઉત્પાદન અને ઊર્જા ક્ષેત્રમાં એક મુખ્ય શક્તિ તરીકે ઊભરી રહ્યું છે. આ માટે એ પોતાની હરીફાઇભર્યું વાતાવરણ અને આર્થિક નીતિનો લાભ લઇ રહ્યું છે, તેમ છતાં ભારત પણ વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર બનવા ભણી ઝડપભેર આગળ વધી રહ્યું છે અને આ ક્ષેત્રમાં મહત્ત્વના બદલાવ પણ આવી રહ્યા છે. અણધાર્યા વૈશ્વિક માહોલમાં ભારતને  આ ક્ષેત્રમાં મહાશક્તિ બનાવવા સરકાર, ખાનગી ક્ષેત્રો, સંશોધન અને વિકાસ સંસ્થાઓ તેમજ નાણાકીય હિતધારકોએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે. સરકાર પણ દેશની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જરૂરી કદમ ઉઠાવી રહી છે ત્યારે બાકીના ક્ષેત્રોએ પણ તેમાં  જોશભેર સામેલ થવું પડશે. મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતને  આત્મનિર્ભર બનાવવા અને વિદેશી આધારિતતા ઘટાડવા માટે આપણા વિનિર્માણ  મજબૂત બનાવાઇ રહ્યું છે, ત્યારે વડાપ્રધાનના આહ્વાનથી પ્રેરિત થઇને હવાઇ ક્ષેત્ર પણ વૈશ્વિક સ્તરે  ઊડવા તૈયારી  કરી રહ્યું છે. સરકાર માટે આ ક્ષેત્રમાં વધુ રોકાણને આકર્ષવા યોજના ઘડવાની જરૂર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd