ચોબારી, તા. 6 : વાગડ પંથકનાં ગામો રણ માફિયાઓની કનડગતથી પરેશાન છે. ગેરકાયદે
મીઠાના ધીકતા ધંધાઓ, ગેરકાયદે વીજ
જોડાણો, ઓવરલોડ મીઠું ભરેલાં ભરખમ વાહનો અને દબંગાઈ વચ્ચે પ્રશાસનની
ધૃતરાષ્ટ્રની ભૂમિકા લોકો માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી રહી છે, જેના પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ આ ભારે વાહનોથી પરેશાન અમરસર ગામના લોકો રસ્તા
ઉપર ઊતરી આવ્યા હતા અને આંદોલન કર્યું હતું. હવે બંધડી ગામના લોકો પણ તે જ રસ્તે જઈ
રહ્યા છે. જિલ્લા સમાહર્તા તથા પોલીસને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ભરાતાં નથી. કડોલથી
સિકરા સુધીનો રસ્તો મીઠાંની ઓવરલોડ ગાડીઓનાં કારણે બિસમાર બન્યો છે જેથી નાનાં વાહનો
ચાલી શકતાં નથી. રસ્તામાં મોટા મોટા ખાડાઓ છે. આપાતકાલીન પરિસ્થિતિમાં વાહન ચલાવવું
મુશ્કેલ છે. ગામના લોકોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મુશ્કેલીઓ ઊભી
થઈ રહી છે. અહીં બેફામ વાહનોની અવરજવરથી ગૌવંશનાં પણ મોત થયાં છે. બંધડી ગામની મહિલાઓ
પણ ભારે વાહનોને લઈને રસ્તાઓ ઉપર ઊતરી હતી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો
હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, ગામમાં શાકભાજીવાળા કે કોઈ અન્ય
ફેરિયાઓ આવી શકતા નથી તે હદ્દે સ્થિતિ ખરાબ છે. નાના બાળકોને આ જોખમી રસ્તા ઉપરથી મોકલી
શકાતાં નથી અને જૂના ગામમાં શાળાએ પણ જઈ શકતા નથી. અનેક વખત અકસ્માતો સર્જાયા છે. અનેક
મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પ્રશાસન દ્વારા ભારે વાહનો અને માથાભારે તત્ત્વો વિરુદ્ધ
કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. કડોલ વિસ્તારમાં તો વનવિભાગની હદમાં પણ પેશકદમી
થઈ છે. અભયારણ્ય વિસ્તાર-રણમાં પણ અતિક્રમણનું પ્રમાણ વધ્યું છે. પ્રશાસન તાકીદે યોગ્ય
પગલાં ભરે તેવી આ વાગડ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.