• મંગળવાર, 26 મે, 2026

ક્વોલિફાયર-1માં છુપાયો છે આઈપીએલ વિજેતા

નવી દિલ્હી, તા.25 : ફટાફટ ક્રિકેટનો રોમાંચક પર્યાય બનેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 તેના અંતિમ પડાવ પર છે. આવતીકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ક્વાલિફાયર-1 સાથે જ પ્લેઓફની મેચોનો આરંભ થશે. આ બંનેમાંથી જે ટીમ જીતશે તે સીધી જ 31મી મેની ફાઈનલમાં પહોંચી જશે. હારનારી ટીમને ક્વોલિફાયર-2માં રમવું પડશે. અત્યાર સુધીના આંકડા એવું દર્શાવે છે કે ક્વોલિફાયર-1માં જ ઘણી હદ સુધી આઈપીએલ ચેમ્પિયન છુપાયેલો છે. અત્યાર સુધીના 15 વર્ષના આંકડા આ રસપ્રદ બાબત કહી રહ્યા છે. આરસીબીએ આઈપીએલ-2025માં પહેલી ક્વોલિફાયર જીતી હતી અને ફાઈનલમાં તેણે જ પંજાબ કિંગ્સને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ગુજરાતે 2022માં પહેલી ક્વોલિફાયર જીતી અને ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવી હતી. આઈપીએલમાં 2011માં પ્લેઓફની પરંપરા શરૂ થઈ હતી અને ત્યારથી 15 સીઝનમાંથી 12માં એ ટીમે ટ્રોફી પોતાના નામે કરી હતી જેણે ક્વોલિફાયર-1માં જીત મેળવી હતી. આ દરમ્યાન માત્ર ત્રણ વખત એવું થયું હતું કે જ્યારે કોઈ ટીમ પહેલી ક્વોલિફાયર જીતવા છતાં ખિતાબથી ચૂકી ગઈ હતી. આઈપીએલ 2013માં ચેન્નાઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1 જીતી પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે ટ્રોફી પર કબજો કર્યો હતો. આરસીબીએ 2016માં પહેલી ક્વોલિફાયરમાં વિજય મેળવ્યો પરંતુ ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદે બાજી મારી હતી. રાઈઝિંગ પૂણેએ 2017ના ક્વોલિફાયર-1માં વિજયનો ઝંડો લહેરાવ્યો પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલ પર કબજો જમાવ્યો હતો. આ મેચમાં મુંબઈએ માત્ર 1 રને દિલધડક જીત મેળવી હતી. 2018થી 2025 સુધી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ આઈપીએલ ચેમ્પિયન બની હતી. હવે રમતપ્રેમીઓ 19મી સીઝનમાં પણ આ સિલસિલો ચાલુ રહે છે કે કેમ તે જોવા આતુર છે.

Panchang

dd