માંડવી, તા. 18 : અહીંની નગરપાલિકાની કારોબારી
સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠક્કરના પ્રમુખસ્થાને મળી હતી, જેમાં વિવિધ વિકાસકામોને બહાલી સાથે શહેરના
જુદા-જુદા વિસ્તારોમાં ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે વાર્ષિક ધોરણે કામગીરી સોપવા
ઉપરાંત પ્રી-મોન્સૂનની કામગીરી અંતર્ગત હૃદયસમાન ટોપણસર તળાવને ફરતે અને માંડવી શહેરની
મુખ્ય પ્રવેશદ્વાર પર ઝાડી કાટિંગ કરાવવા તથા શહેરમાં વિવિધ વોર્ડમાં થઈ રહેલી ઈન્ટરલોકની
કામગીરી દરમ્યાન પાણીની મુખ્ય વિતરણ લાઈનને પહોંચેલાં નુકસાન બાબતે કંપની પાસેથી ખર્ચ
વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો. જુદા-જુદા
વોર્ડના વિસ્તારોમાં પાણીની લાઈન ફિટિંગ માટે જરૂરી માલ-સામાન ખરીદી કરવા ખર્ચને મંજૂરી
આપવામાં આવી, નલિયા રોડ 52 સોનાવાળા નાકાથી નવાનાકા સુધી
વરસાદી નાળાંનાં વહેણ પર આવરોધરૂપ બાંધકામ દૂર કરવા જરૂરી સાધનો હિટાચી, જે.સી.બી., ટ્રેક્ટર વેગેરે
ભાડે રાખવા તથા ડી-વોટરિંગ પંપ રિપેરિંગ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતી
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 ગ્રાન્ટ હેઠળ ભુજ-માંડવી રોડ પર નવા પુલ પાસે હાઈમાસ્ક ટાવર
બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. બાંધકામ વિભાગ હસ્તકના ચાલતાં કામો સમયમર્યાદામાં
પૂર્ણ ન કરવા સબબ જે-તે ઈજારાદાર પાસેથી નિયમોનુસાર પેનલ્ટીની રકમની વસૂલાત કરવાની
કડક કાર્યવાહી કરવા શહેરમાં આવેલા ટૂરિસ્ટ સ્પોટ પર ટૂરિઝમ સ્કેનર (માહિતી સૂચક) લગાડવા, માંડવી-ભુજ રોડ પર માંડવીના પ્રવેશદ્વાર જૈન
આશ્રમ પાસે `ઓપરેશન સિંદૂર'ની થીમ તેમજ માંડવી-નલિયા રોડ માંડવીની ઓળખસમા
પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, વિજયવિલાસ પેલેસ, વહાણ, બીચ, દાબેલી વગેરેની થીમ
પર સર્કલ બનાવવામાં આવશે, તેવા નિર્ણય લેવામાં આવ્યા હતા. વરસાદી
પાણીનો સંગ્રહ થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અકસ્માત રોકવા વિવિધ સ્થળો
પર ટ્રાફિક મિરર લગાડવામાં આવશે. કાંઠાવાળા નાકા પાસેના ચોકનું `શ્રી જગન્નાથપુરી ચોક' નામકરણ કરવાની મંજૂરી આપવામાં આવી. પ્રતિબંધિત
પ્લાસ્ટિક ઝબલાંનાં વેચાણ 52 સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં
આવશે, તેવો કડક નિર્ણય લેવામાં આવ્યો હતો. નગરપાલિકા
સંચાલિત વાચનાલયમાં શહેરના વિદ્યાર્થીઓને જી.પી.એસ.સી. તથા યુ.પી.એસ.સી.ની તૈયારી માટે
અભ્યાસક્રમ મુજબ પાઠયપુસ્તકોની ખરીદી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. રહેણાક-બિનરહેણાંક
મિલકત પર ડિજિટલ નંબર પ્લેટ લગાડવા ચર્ચા-વિચારણા કરવામાં આવી શમ્સ કોમ્પ્યુટર (જેનાબાદ-બિહાર)
દ્વારા ભાવ રજૂ કરવામાં આવ્યા, જે અંગે ચર્ચા-વિચારણા કરી મુખ્ય
અધિકારીને સત્તા આપવામાં આવી હતી. બેઠકમાં વિજય ગઢવી, પ્રેમજી
કેરાઈ, વિજય ચૌહાણ, જયશ્રીબેન સલાટ,
જશુબેન કેરાઈ વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. હેડક્લાર્ક મનજીભાઈ પરમાર,
ચેતન જોશી હાજર રહ્યા હતા. એર ઇન્ડિયાના પ્રત્યેકો, પૂર્વ મુખ્યમંત્રીને પ્રારંભે અંજલિ અપાઇ હતી.