• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ટાગોર રોડથી ગુરુદ્વારા રોડનું નબળું-અધૂરું કામ સમસ્યારૂપ બન્યું

ગાંધીધામ, તા. 22 : ગાંધીધામના ટાગોર રોડથી લઈને શિવાજી પાર્ક અને ત્યાંથી ગુરુદ્વારા સુધીના કરોડો રૂપિયાના માર્ગનું હલકી ગુણવત્તાનું કામ શહેરીજનોને ઉડીને આંખે વળગ્યું છે અનેક જગ્યાએ ફૂટપાથ બેસી ગયો છે, તો ઝૂલેલાલ મંદિર ચાર રસ્તાથી ગુરુદ્વારા સુધીનું ઘણું કામ અધૂરું છે તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે.  શહેરીજનોને નબળી ગુણવત્તાનું કામ અને અન્ય ક્ષતિઓ નરી આંખે દેખાય છે, પરંતુ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અનદેખી કરીને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની તસ્દી ન લેવાતાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં કરોડો રૂપિયાના ખર્ચે માર્ગોનાં કામ ચાલુ છે, તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીએ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની નેમ વ્યક્ત કરી હતી અને દેશના ગણમાન્ય સિટીઓમાં ગાંધીધામનું નામ આવે તે રીતે વિકસિત શહેર અને મહાનગરપાલિકા બનાવવાનું તેમણે કહ્યું હતું અને તે મુજબના કરોડો રૂપિયાનાં કામો શરૂ કરાવ્યાં હતાં. અલગ અલગ સરકારી તથા અન્ય કંપનીઓના સીએસઆર ફંડથી કામગીરી પણ કરાઈ છે તેમની બદલી બાદ અહીં વહીવટ ખાડે ગયો હોવાથી ધીરે ધીરે સ્થિતિ સાવ કથળી રહી છે. સૂત્રોનું માનીએ, તો અધિકારીઓ સત્તાધિશોનું માનતા જ નથી એટલે કોઈ પણ કોન્ટ્રાક્ટર કામમાં ગંભીર બેદરકારી દાખવે, તો પણ પગલાં લેવાતા નથી. માનતી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને અધિકારીઓ સાચવીને બેઠા હોવાના ગંભીર આક્ષેપો છે તેનું પરિણામ શહેરીજનો ભોગવી રહ્યા છે. હાલના સમય ગાંધીધામ આદિપુરના પાંચ માર્ગ ગુણવત્તાના મામલામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કોલેજ સર્કલથી હીરાલાલ પાર્ક સર્કલ તથા હીરાલાલ પારેખ સર્કલથી સુંદરપુરી પાણીનો ટાંકો અપનાનગર ચાર રસ્તા, ક્રોમા સેન્ટરથી જૂની કોર્ટ અને ત્યાંથી પોલીસ સ્ટેશન અને વોલ્કેનો કોમ્પ્યુટર સુધીનો માર્ગ તથા ટાગોર રોડથી લઈને ગુરુદ્વારા સુધીનો માર્ગ ચર્ચાના એરણે છે. કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતી નથી સિટી ઇજનેર ઉપરાંત આઉટસોર્સના ઇજનેરોની ફોજ છે, પરંતુ માનીતી એજન્સીને પ્રમાણપત્રો આપવામાં અને અન્ય બાબતોમાં આ ઇજનેરો વ્યસ્ત રહેતા હોવાથી કરોડો રૂપિયાના માર્ગમાં ધ્યાન આપતું ન હોવાના આક્ષેપો જાણકારો કરી રહ્યા છે. ટાગોર રોડથી ગુરુદ્વારા સુધીના માર્ગમાં શિવાજી પાર્ક અને ત્યાંથી ભાઈપ્રતાપ સર્કલ સુધી કામ પૂર્ણ કર્યું છે, ત્યારપછી પોલીસ ચોકીથી લઈને ગુરુદ્વારા સુધીના માર્ગનું કામ અધૂરું છે, જ્યાં કામ પૂર્ણ કર્યું છે ત્યાં અનેક જગ્યાએ ફૂટપાથ બેસી  ગઈ છે. ખરેખર આ તપાસનો વિષય છે, તપાસ કેમ કરવામાં નથી આવતી અને પગલા શું કામ નથી ભરાતાં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd