ગાંધીધામ, તા. 22 : આયુર્વેદનું નામ આવે, ત્યારે લોકોની સામે મહાભારત કે રામાયણકાળનાં
સારવારનાં દૃશ્યો આવે, પરંતુ સમય જતાં અંતે થતાં સંશોધનોના
કારણે માત્ર આરોગ્યશાત્ર જ નહીં, પરંતુ જીવનશાત્ર તરીકે પણ કહેવાય
તેવા આયુર્વેદિક સારવારમાં પણ આધુનિકતાનો સમન્વય થયો છે. સામાન્ય જીવનશૈલીને લગતા રોગ તો ઠીક, પણ જટિલ બીમારીમાં પણ ગાંધીધામના લોકો આયુર્વેદની સારવાર લઈને સ્વસ્થ થયા છે. ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે ચાલતી આયુર્વેદ ઓપીડીના આંકડા ઉપરથી જ ખ્યાલ આવે છે કે,
લોકો સ્વસ્થ થવા માટે આયુર્વેદ તરફ વળ્યા છે. એ તો ખરું, પરંતુ અકસ્માતમાં
ગંભીર રીતે ઘાયલ યુવતી થોડા જ દિવસોમાં સ્વસ્થ બની હતી. આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ ઓપીડી ચલાવતા ડો. પાર્થ ઠક્કરે કચ્છમિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,
વિશ્વ આયુર્વેદ દિવસની થીમ આ વખતે સ્વસ્થ ભવિષ્ય ઉપર રાખવામાં આવી છે,
આયુર્વેદ સ્વસ્થ જીવનશૈલીની આધારશિલા છે, જે આજે
વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર ભારતનું સૂત્ર
આપવામાં આવ્યું છે, ત્યારે આયુર્વેદ આત્મનિર્ભર ભારતનો શ્રેષ્ઠ માર્ગ બની રહેશે. જીવન પદ્ધતિ બદલાતા રોગની સારવાર માટે તો લોકો
આવે છે, પરંતુ ડાયાબિટીસ હૃદયરોગ સહિતની ક્રોનિક બીમારી ધરાવતા
દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. એમ કહેવાય છે કે, આયુર્વેદમાં રોગ જળમૂળથી દૂર થાય તેમજ કયારેક સમય પણ લાગે, તો ગણતરીના દિવસોમાં પણ આયુર્વેદિક સારવારથી સ્વસ્થ થવાય છે. અંજાર તાલુકાના
મેઘપર બોરીચીની રહેવાસી અને અમદાવાદમાં અભ્યાસ કરતી યુવતી ગત જુલાઈ મહિનામાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બની હતી અને હેમરેજ
સહિતની સ્થિતિના કારણે સ્મૃતિ ગુમાવી હતી અને
બેલેન્સની પણ તકલીફ થઈ હતી. અમદાવાદમાં સારવાર દરમ્યાન સ્મૃતિ પરત આવતાં છ મહિના જેટલો
સમય લાગે તેવું તબીબોએ કહ્યું હોવાનું તેમના પિતા અરવિંદપ્રસાદે જણાવ્યું હતું. ગાંધીધામની
સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર લેતાં માત્ર 30 દિવસમાં જ સ્મૃતિ પરત આવી ગઈ અને ભુતકાળ, વર્તમાનકાળનું બધુ યાદ આવી
ગયું હોવાથી ચહેરા ઉપર આનંદની લાગણી સાથે જણાવ્યું હતું. તેણીને ચહેરા ઉપર સોજા સહિતની
સ્થિતિ સર્જાઈ હતી, હવે તેણીએ અભ્યાસ પણ રાબેતા મુજબ ચાલુ
કર્યો છે. રામબાગ હોસ્પિટલ ખાતે આયુર્વેદ ઓપીડીમાં
વર્ષ 2020થી અત્યાર સુધી છ વર્ષમાં 50 હજારથી વધુ દર્દી સારવાર મેળવી સ્વસ્થ થયા છે. આંકડા ઉપર નજર કરીએ, તો 2020માં 6,067,
2021માં
8,145, 2022માં 10,441,
2023માં
8,667, 2024માં 8,281 અને 2025માં 8,370 દર્દીએ સારવાર મેળવી હતી. આ આંકડામાં એપેન્ડિક્સ, પાઈલ્સ સહિતના દર્દીઓનો પણ
સમાવેશ થાય છે. -
ગાંધીધામમાં જિલ્લા
આયુર્વેદ હોસ્પિટલની ખૂટતી કડી : ગાંધીધામ,
તા. 22 : સરકારી
રામબાગ હોસ્પિટલમાં આયુર્વેદ ઓપીડીની સારવાર લેનારા દર્દીઓની સંખ્યા વધુ છે, પરંતુ આ ક્ષેત્રમાં ખૂટતી કડીઓ પૂરી કરવાની દિશામાં રાજ્ય
સરકાર દ્વારા માળખાંકીય સુવિધાવિસ્તારવામાં આવે તે જરૂરી છે. ભુજમાં જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે, હાલ
રામબાગ હોસ્પિટલને જિલ્લા હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે,
ત્યારે ગાંધીધામમાં પંચકર્મ,
ઈન્ડોર સુવિધા સહિતની જિલ્લા હોસ્પિટલની સારવારની સુવિધાનો વિસ્તાર સમયની
માંગ છે. જો આ હોસ્પિટલ કાર્યરત થાય,
તો પંચકર્મ સહિતની સારવાર સરકારી રાહે ઉપલબ્ધ થઈ શકે. આ દિશામાં રજૂઆતો પણ થઈ હોવાનું આધારભૂત સૂત્રોએ
જણાવ્યું હતું.