• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

પરીક્ષામાં ગેરરીતિ સામે શિક્ષકો મૌન થઈ જશે ?

દેશની શિક્ષણ વ્યવસ્થાને લાગેલા વિવાદના ગ્રહણનો કોઈ અંત જણાતો નથી.  સીજેપીના આંદોલનની અસરો હજી વર્તાઈ રહી છે, તેવામાં આઈઆઈટી બોમ્બેને સાંકળતા એક ગંભીર બનાવે દેશનાં ઉચ્ચશિક્ષણ માળખાં સામે ચિંતાજનક સવાલ ખડા કર્યા છે.  પરીક્ષા દરમ્યાન એક વિદ્યાર્થીને મોબાઈલ ફોનના ઉપયોગ બદલ પકડવામાં આવતાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાના ઘટનાક્રમે વિરોધ અને પ્રતિવિરોધનો કડવાશભર્યો માહોલ ખડો કરી દીધો છે. આમ તો કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિ ચલાવી લઈ શકાય નહીં.  આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં આવા બનાવને કોઈ શિક્ષક રોકે તેમાં કોઈને વાંધો હોઈ શકે નહીં. સાથોસાથ વિદ્યાર્થીએ મોબાઈલ વડે પરીક્ષાના સવાલોના જવાબ મેળવવાની જે ચેષ્ટા કરી તે અંગે સંસ્થાને જાહેર કરેલા નિવેદન મુજબ વિદ્યાર્થીની સામે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.  શિક્ષક અને વિભાગીય વડાએ વિદ્યાર્થી સાથે વાત પણ કરી હતી અને તેને હૈયાધારણ અપાઈ હતી કે, આ બનાવથી તેની કારકિર્દી પર કોઈ અવળી અસર પડશે નહીં, તેમ છતાં વિદ્યાર્થીએ આત્મહત્યાનો માર્ગ લેતા સ્વભાવિક રીતે જ ભારે ચકચાર જાગી છે.   ઘટના એવી છે કે, વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઈલ ફોન ઉપર - ચેટજીપીટીની મદદ લઈ રહ્યો હતો, ત્યારે પ્રોફેસરે તેને પકડયો અને પરીક્ષા ખંડમાંથી બહાર જવા જણાવ્યું. વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જઈને આપઘાત કર્યો. પોલીસ તપાસ શરૂ થયા પછી આઈઆઈટીએ પરીક્ષામાં `ચોરી' કરવામાં આવી હોવાનું નિવેદન પાછું ખેંચી લીધું, જેથી પોલીસ તપાસમાં તેની અસર પડે નહીં. આ સાથે જ સંબંધિત પ્રોફેસરને કામચલાઉ `ફરજમુક્ત' કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામસામે આવ્યા છે અને શાંતિપૂર્વક દેખાવો કર્યા છે, પણ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી-રિપબ્લિકન પાર્ટી તથા ડાબેરી વિદ્યાર્થી સંઘ પણ જોડાયા છે. જો કે, સમયસર પોલીસની હાજરી અને બંને પક્ષે સદ્ભાગ્યે જાળવેલા સંયમના પરિણામે જંતરમંતરનું પુનરાવર્તન થયું નથી. આમ તો પરીક્ષામાં ગેરરીતિઓ રોકવી એ શિક્ષકનું કામ હોય છે, પણ વિદ્યાર્થીએ અત્મહત્યા કરી લીધા બાદ આઈઆઈટી બોમ્બેના આખાં કેમ્પસમાં ભારે સ્ફોટક વાતાવરણ સર્જાયું હતું. સીજેપીના આંદોલનથી જાણે પ્રેરણા લેતા હોય તેમ વિદ્યાર્થીઓએ આત્મહત્યાના મામલાને ઉછાળીને આઈઆઈટી જેવી સંસ્થાનને સંબંધિત શિક્ષક સામે પગલાં લેવાની ફરજ પાડી છે. જે રીતે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં અન્ય પરીક્ષાઓને બળજબરીથી રોકાવીને દબાણ સર્જ્યું તે હકીકત પણ ચિંતાજનક છે. આ બનાવ બાદ વિદ્યાર્થીના વાલીએ શિક્ષકે અપમાનજનક વહેવાર કર્યો હોવાના, જાતિલક્ષી ટિપ્પણી કર્યાના, બિનજરૂરી દબાણ ઊભું કર્યાના અને નિયમોને કોરણે મૂકીને વ્યવહાર કરાયો હોવા સહિતના જે આરોપો મુક્યા છે તેનાથી વાતાવરણ વધુ ડહોળાયું છે. આ આરોપોની તપાસ થવી જોઈએ એમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં, પણ આ બનાવે પરીક્ષામાં ગેરરીતિની સામે પગલાં લેવાના જોખમો છતા કર્યા છે. આગળ જતા વિદ્યાર્થીઓ આવી કોઈ પણ કાર્યવાહી થાય નહીં એવો આગ્રહ રાખી શકે છે. આઈઆઈટીના વરિષ્ઠ શિક્ષકે ક્ષુબ્ધ બનીને રાજીનામું આપી દીધું છે અને તેમની સામે ફોજદારી ગુનો પર નોંધાયો છે. આઈઆઈટી બોમ્બેના પ્રાધ્યાપકો તેમના સાથીની પડખે મેદાનમાં ઊતર્યા છે. ખરેખર તો આઈઆઈટી બોમ્બે સહિતની દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ અને વેલનેસની વ્યવસ્થા અસ્તિત્વમાં છે.  આવામાં હવે સંસ્થાઓએ આ વ્યવસ્થા વધુ સક્રિય રીતે વિદ્યાર્થીઓને માનસિક રીતે વધુ સજ્જ કરવા પર ધ્યાન આપે તે જરૂરી બની રહ્યં છે. આ બનાવથી હવે શિક્ષકો પરીક્ષામાં ગેરરીતિની સામે આંખ આડા કાન કરે એવી ભીતિ પણ વ્યક્ત થવા લાગી છે.  આવી સ્થિતિને ઊગતી રોકવાની તાતી જરૂરત છે. પોલીસ તપાસનો અહેવાલ આવે તે પછી પણ આઈઆઈટી દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd