• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

કચ્છના ધોરીમાર્ગો બન્યા ગેરકાયદે પ્રવૃત્તિના `સલામત માર્ગ !'

ગાંધીધામ, તા. 22 : કચ્છના ધોરીમાર્ગો હવે માત્ર વાહનોની નિર્દોષ અવર-જવર માટે જ નહીં, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, કૌભાંડો અને કાળાબજાર માટે અતિસલામતી માર્ગ બની ગયો હોવાનું ચિંતાજનક ચિત્ર ઊપસી રહ્યું છે. ગાંધીધામથી સૂરજબારી, આડેસર, ગાગોદર, લાકડિયા તથા મુંદરાથી અંજાર અને દુધઈથી ભચાઉ પટ્ટાના ધોરીમાર્ગ આસપાસ આવેલી કેટલીક હોટેલો, ઢાબાઓ લાંબા સમયથી ગુનાખોરીના એપી સેન્ટર બની ચૂક્યા હોવાના ગંભીર આક્ષેપો ઊઠી રહ્યા છે, જેમાં હવે સ્થાનિક પોલીસ સાથે મલાઈદાર શાખાના અમુક અધિકારીઓ પણ ભળી ગયા હોવાના પણ આક્ષેપ ઊઠી રહ્યા છે. કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતી આવી અમુક હોટેલો, ઢાબાઓમાં રાત્રિના અંધારામાં કન્ટેનરો, ટ્રકો, ટેન્કરોમાંથી કોલસા, ટાઈલ્સ, લોખંડના સળિયા (ખીલાસરી), ડીઝલ, ઘઉં, ચોખા, ખાંડ જેવા સરકારી કે વ્યાપારી માલસામાનની ચોરી કરીને બારોબાર સગેવગે કરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ અમુક હોટલોમાં વાહનચાલકોને લાલચ આપીને પોષડોડા, ગાંજો, અફીણ જેવા અતિમાદક પદાર્થોનું ધૂમ વેચાણ પણ થઈ રહ્યું હોવાની વ્યાપક ચર્ચા છે. તાજેતરમાં પોલીસે કેટલીક હોટેલો પર દરોડા પાડી નાના-મોટા સંચાલકો સામે ગુના નોંધીને કાર્યવાહી કર્યાનો સંતોષ માની લીધો છે, પરંતુ કાયદાના જાણકરારોના મતે આ તો માત્ર હિમશીલાની ટોચ સમાન છે. સ્થાનિક સૂત્રો આક્ષેપ કરી રહ્યા છે કે, પોલીસ માત્ર નાની માછલીઓને પકડીને કામગીરીનું નાટક કરી રહી છે જ્યારે ખરા મોટા કૌભાંડીઓ હજુ પણ કાયદાના સકંજાથી દૂર રહી મુક્ત ફરી રહ્યા છે. - સામખિયાળી આસપાસની હોટેલમાં ખીલાસરીની ચોરીનું પ્રકરણ ચર્ચામાં : ધોરીમાર્ગો  આસપાસ આવેલી અમુક હોટેલના પ્રાંગણમાં જુદી-જુદી વસ્તુઓની ચોરી કરી બારોબાર વેચવાનો કારસો બેફામ, બિનદાસ્ત ચાલી રહ્યો હોવાનું સપાટી પર આવ્યું છે ત્યારે સામખિયાળી આસપાસની એક હોટેલમાં ચાલતા ખીલાસરીની ચોરીનો બનાવ પણ ચર્ચાના ચગડોળે ચડયો છે. સમગ્ર કાળાંબજાર પાછળ રાજકીય દબાણ કે, પછી ખાખીને પ્રસાદી કામ કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે.આવી છત્રછાયાના કારણે અમુક શખ્સો બેફામ અને બેલગામ બન્યા છે. હકીકતમાં આવી કેટલીક હોટેલો માત્ર ચોરીના માલનું ગોદામ જ નહીં, પરંતુ રીતસર ગુનેગારોના સુરક્ષિત અડ્ડા બની ગઈ હોવાનું પણ જાણવા મળે છે. જેના કારણે જિલ્લાની શાંતિ અને સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. ઢાબાઓ, હોટેલો પર માદક પદાર્થોનું સેવન કરીને નશામાં ધૂત બનેલા ટ્રક, ટેન્કર ચાલકો ધોરીમાર્ગો પર જે રીતે વાહનો દોડાવી આતંક મચાવે છે તેના વીડિયો પણ સમયાંતરે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. આવા શખ્સો નિર્દોષ વાહનચાલકોના જીવ માટે જોખમ ઊભું કરે છે. આટલી ગંભીર સ્થિતિ છતાં તંત્ર મૌન સેવીનું બેઠું હોવાના આક્ષેપ છે. પોલીસ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર આવી હોટેલો, ઢાબાઓ પર કડક તપાસ હાથ ધરી ઓપરેશન ક્લીન સ્વીપ ચલાવશે ? કે પછી કાળો કારોબાર આવી જ રીતે અવિરત રહેશે તેવા પ્રશ્નો ઉછળીને બહાર આવ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd