ભુજ, તા. 22 : તાલુકાના માધાપરમાં નાના યક્ષના મેળામાં ફૂડ
એન્ડ ડ્રગ્સ વિભાગે 49 જેટલી
ખાણીપીણીની લારીઓ,
સ્ટોલનું ચેકિંગ કરી અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો મેળામાં ખોરાક અને
ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલની ટીમે પકોડી (પાણીપુરી)ના ગલ્લા,
ચાર્ટ-દાબેલીના સ્ટોલ, ચાઈનીઝ તથા અન્ય ફાસ્ટફૂડ,
ઠંડાપીણાનું વેચાણ કરતી 49 પેઢી અને લારી-ગલ્લામાં તપાસ કરી હતી. તપાસ દરમ્યાન ખાદ્યપદાર્થો બનાવવા માટે
વપરાતી સામગ્રીની ગુણવત્તા,
રસોઈ ક્ષેત્રની સ્વચ્છતા ચકાસવામાં આવી હતી. આ દરમ્યાન આરોગ્ય માટે જોખમી
એવા 17 કિલો બગડેલા બટેટા, બે લિટર જેટલો સિન્થેટિક ફૂડ
કલર, ખાદ્ય પદાર્થો રાખવા, પીરસવા માટે
વપરાતાં અખબારનો જથ્થો જપ્ત કરી તેનો તાત્કાલિક નિકાલ કરાયો હતો. દરોડા દરમિયાન અધિકારીઓએ
સ્ટ્રીટફૂડ વિક્રેતાઓને એફએસએસએઆઈના હાઈજિન ધોરણોનું પાલન કરવા તાકીદ કરી હતી.