ભુજ, તા. 22 : ભાદરવાનો તાપ વધુ આકરો બની કચ્છી માડુઓને અકળાવી
રહ્યો છે. પાછોતરી મેઘવર્ષા ઝંખતા કચ્છમાં ઊંચકાયેલા મહત્તમ તાપમાને અગનવર્ષા વરસી
રહી છે. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન ઊંચે ચડીને 38.6 ડિગ્રીએ પહોંચતાં શહેરીજનો આકુળ-વ્યાકુળ બન્યા
હતા. ભુજ સતત બીજા દિવસે રાજ્યનું મોખરાનું ગરમ મથક બન્યું હતું. દરમ્યાન, હવામાન વિભાગે આગામી બે દિવસમાં
કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લા મથક ભુજમાં 38.6 ડિગ્રી ઉપરાંત અંજાર, ગાંધીધામ વિસ્તારને આવરતા કંડલા
(એ.)માં 37, કંડલા
પોર્ટમાં 36.5 અને નલિયામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાત્રિનું તાપમાન
26થી 28 ડિગ્રી જેટલું ઊંચુ નોંધાતાં રાત્રિના સમયે પણ શીતળતાના બદલે ઉકળાટની અનુભૂતિ
લોકોએઁ કરી હતી. સામાન્ય રીતે સપ્ટેમ્બર માસ કચ્છમાં ઉનાળાના બીજા તબક્કા તરીકે ઓળખાય
છે. ભૂતકાળમાં આ માસમાં તાપમાન 40 ડિગ્રીને
પાર થઇ ચૂકયું છે. ભાદરવી તાપનું પ્રમાણ વધતાં તેની સીધી અસર જનસ્વાસ્થ્ય પર પડી રહી
હોય તેમ સિઝનલ રોગોના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. હવામાન વિભાગે બે દિવસ છૂટીછવાઇ
વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી આગાહી કરી, એ બાદ કચ્છમાંથી ચોમાસાંની વિદાયની ઘડીઓ ગણાશે તેવું અનુમાન
વ્યક્ત કર્યું છે. રવિવારે જિલ્લામાં અનેક સ્થળે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો,
તો ગઇકાલે પણ કેટલાક સ્થળે ઝાપટાંએ હાજરી પુરાવી હતી. હવામાન નિષ્ણાતોના
મતે ચોમાસું વિદાય લઇલે તે બાદ પણ વરસાદ વરસવાનું
સંપૂર્ણ બંધ નહીં થાય. નવરાત્રિ આસપાસ પણ વરસાદ વરસે તેવી સંભાવના વિવિધ મોડેલના પૂર્વાનુમાનના
આધારે રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ પ્રકારનું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા
દેખાડવામાં આવી છે.