રવિવારનો દિવસ મુંબઈમાં અકસ્માતોની વણજારનો હતો, જેમાં કુલ છ લોકોના જીવ ગયા અને નવને ઈજા થઈ. આમ તો આ ત્રણેય જુદી-જુદી ઘટના હતી અને દરેકમાં બેદરકારીને કારણે જીવનદીપ બુઝાયાનું સામે આવ્યું છે. ગણેશોત્સવ દરમિયાન લાખોની મેદની લાલબાગ-પરેલમાં ઊમટતી હોય છે, આવામાં કાલાચોકી ચા મહાગણપતિ મંડળના પંડાલ પાસે વીજળીના તારને કારણે શોક લાગવાથી આઠ વર્ષની એક બાળકી અને 33 વર્ષની મહિલાનું મોત થતાં ઉજવણીના રંગમાં ભંગ પડયો હતો, તો અતિ ઝડપે કાર હંકારતાં કોસ્ટલ રોડની રાલિંગ તોડી નજીકની કન્સ્ટ્રક્શન સાઈટ પર ખાબકેલી બીએમડબલ્યુ કારમાં સવાર ત્રણ યુવાનનાં મોત થયાં હતાં અને ચોથો સાથી ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો હતો. હજી થોડા દિવસ પહેલાં જ લાલબાગ ચા રાજાના દર્શનની કતારમાં 25 વર્ષના પૂણેના મેકેનિકલ એન્જિનીયરનું મોત થયાના સમાચાર આવ્યા હતા. તહેવારો દરમિયાન સલામતી-સુરક્ષા વ્યવસ્થામાં રહી જતી કચાશને કારણે બનતી આવી કમનસીબ ઘટનાઓ અને અકાળે મોતને ભેટનારાઓમાં બાળકો અને સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય છે. કચ્છમાં આ વખતે વરસાદ ઓછો હોતાં જળાશયો અડધાં ખાલી છે, પણ અગાઉ ગણેશ વિસર્જન વખતે મૂર્તિ નીચે દબાઇને પાણીમાં ગરકાવ થઇ જવાના એકથી વધુ બનાવ નોંધાયા છે. ઉજવણીના તાનમાં સલામતીની તકેદારી કદી ભુલાવી ન જોઇએ. મુંબઇની વાત કરીએ, તો થોડા સમય પહેલાં કોસ્ટલ રોડ આત્મહત્યાની વારંવાર બનતી ઘટનાઓને કારણે વગોવાયો હતો. જો કે, છેક શરૂઆતથી આ માર્ગ પર અતિ ઝડપે વાહનો ચલાવવાની થ્રિલ માણવાની લાયમાં જીવ ગુમાવનારાઓનો આંકડો પણ ઓછો નથી. અમદાવાદથી મુંબઈ ભણવા આવેલા સંપન્ન ઘરના ચાર યુવાને પણ આ જ થ્રિલના ચક્કરમાં ત્રણનાં જીવ ગયાં, એવું લાગે છે. જો કે, ચોંકાવનારી એક બાબત સામે આવી છે કે, તે એટલે કોસ્ટલ રોડ પર સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં ધોળા દિવસે 120 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતાં વાહનની નંબર પ્લેટને વાંચવામાં અને રાતના સમયે તો 100 કિ.મી. પ્રતિ કલાકના વેગે જતાં વાહનોની નંબર પ્લેટને આ કેમેરા કેપ્ચર કરી શકતા ન હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે, મોંઘીદાટ કાર અથવા સ્પોર્ટ્સ વ્હીકલ ધરાવતા નબીરાઓ પણ આનાથી વાકેફ હોવાથી જ તેઓ અતિ ઝડપનો આનંદ માણવા કોસ્ટલ રોડ પર આવે છે. જો કે, આ માર્ગ અલ્ટ્રા-હાઈ સ્પીડ માટે બન્યો ન હોવાને કારણે અકસ્માતનું જોખમ રહે છે. જે રીતે અમદાવાદના શનય ગજ્જર, આદિત્ય જક્ષણિયા, ધૈર્ય શેઠ અને આદિત્ય ઓસવાલ જેમાં હતા એ બીએમડબલ્યુ કાર રાલિંગ તોડીને ખાબકી એ જોતાં આવા કિસ્સા અટકાવવા માટે હવે પગલાં લેવાય એ જરૂરી છે. સારા રસ્તા પર ગતિ નિયંત્રણનું પાલન કદી નથી થતું. કચ્છમાં અને ગુજરાતમાં પણ માર્ગો પર રોજ કેટલાય અકસ્માત સર્જાય છે. હાઇવે પર ગતિ નિયંત્રણની સૂચના હોવા છતાં તેનું પાલન થતું નથી એ અફસોસની વાત છે.