અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં જિલ્લા અને
તાલુકા કક્ષાબાદ હવે ગ્રામ્ય કક્ષાએ પણ નારી અદાલત શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
છે. ભારત સરકારની મિશન શક્તિ યોજનાની માર્ગદર્શિકા હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની
મહિલાઓ માટે ન્યાય અને સશક્તિકરણની દિશામાં મહત્વની પહેલ તરીકે રાજ્ય સરકારે ગ્રામ
પંચાયત કક્ષાએ પ્રાયોગિક ધોરણે આવી નારી અદાલતો શરૂ કરાયો છે. આ માટે રાજ્ય સરકારે
પ્રથમ તબક્કે 10 આદિજાતિ જિલ્લાઓની કુલ 10 ગ્રામ પંચાયતોની પસંદગી કરી છે. ખાસ બાબત એ
છે કે પસંદ કરાયેલી તમામ ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચોના નેતૃત્વ હેઠળ નારી અદાલતની
પહેલ આગળ વધશે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને લગતા પ્રશ્નો ગ્રામ્ય કક્ષાએ જ સાંભળવાની
અને ઉકેલ તરફ આગળ વધવાની વ્યવસ્થા ઊભી કરવાના આ પ્રયાસને મિશન શક્તિ સાથે જોડવામાં
આવ્યો છે. અગાઉ ગ્રામ પંચાયત કક્ષાએ કુલ 10 નારી અદાલતો શરૂ કરવાની નવી બાબતને પ્રાયોગિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી.
હાલમાં રાજ્યમાં જિલ્લા-તાલુકા કક્ષાએ 270 જેટલી નારી અદાલતો કાર્યરત છે. આ અદાલતોમાં
અત્યાર સુધી આવેલા 45000 કેસોમાંથી
44800 એટલે કે 99 ટકાથી વધુ કેસોનો નિકાલ કે સમાધાન કરવામાં આવ્યું છે.
પસંદ કરાયેલી ગ્રામ પંચાયતોમાં નર્મદા જિલ્લાની ગરુડેશ્વર અને ચીકદા પંચાયતો, દાહોદની સિંગવડ, લીમડી અને કાળીયા પંચાયતો, મહિસાગરની કોઠંબા પંચાયત,
છોટા ઉદેપુરની કદવાલ પંચાયત, વાવ-થરાદની રાધાનેસડા
પંચાયત, અરવલ્લીની શામળપુર પંચાયત તથા બનાસકાંઠા જિલ્લાની જલોદા
પંચાયતનો સમાવેશ થાય છે.