• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ : 42 લાખ પડાવ્યા

ગાંધીધામ, તા. 22 : શહેરના સપનાનગરમાં રહેતા ડીપીએમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના નામે વીડિયો કોલ કરી મનીલોન્ડરિંગ તથા છેડતીના ગુનામાં તમારું નામ બહાર આવ્યાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી રૂા. 42,00,000 પડાવી લીધા હતા. શહેરના સપનાનગર એન.યુ.-4માં રહેતા તથા 2022માં કંડલા દીનદયાળ પોર્ટમાં ફાયર વિભાગમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ પોતાના વતન ઉત્તરપ્રદેશમાં હતા ત્યારે પહેલાં આઇ.પી.એસ. મુંબઇના નામે મેસેજ આવ્યો હતો. બાદમાં ગઠિયાએ બે-ત્રણ વખત વીડિયો કોલ કરતાં ફરિયાદીએ ઉપાડયા નહોતા છતાં તેણે સતત કોલ કરતાં ફરિયાદીએ કોલ ઉપાડયો હતો, જેમાં સામા છેડે વરધીમાં એક શખ્સ બેઠો હતો. તેણે ફરિયાદીને તમારું નામ મની લોન્ડરિંગમાં ખુલ્યું છે અને તમારી બીજા સીમથી છોકરીની છેડતી થઇ હોવાની ધમકી આપી હતી. બાદમાં સતત ફોન ચાલુ રાખી આ શખ્સે જુદી-જુદી વિગતોવાળી ફરિયાદની કોપી વૃદ્ધને મોકલાવી હતી તેમજ દર બે કલાકે પોતે સુરક્ષિત હોવાનો મેસેજ કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ તે નિર્દોષ હોવાનું કહેતાં અને પોતે ગુજરાત, કચ્છ-ગાંધીધામમાં રહેતા હોવાનું જણાવતાં ઠગબાજે પોતાના ઘરે ગાંધીધામ જવા ધમકી આપી હતી. ફરિયાદી ડરી જતાં ઘરે આવવા નીકળ્યા હતા અને આ ઠગબાજને પોતે ક્યાં પહોંચ્યા તેનો રિપોર્ટ કરતા હતા. ઘરે આવ્યા બાદ આ વાત કોઇને કરતા નહીં, નહીં તો તમારી સાથે તમારા પરિવારની પણ ધરપકડ થશે, મિલકત જપ્ત થશે તથા દેશદ્રોહીનો કેસ થશે વગેરે ધમકીઓ આપી હતી. બાદમાં તમે મનીલોન્ડરિંગમાં નથી, તમે પૈસા મોકલાવો અમે ખાતરી કર્યા બાદ તે પરત આપી દેશું વગેરે ધમકીઓ આપી હતી. વૃદ્ધને સતત તાણમાં રાખી માનસિક ત્રાસ આપી તેમની પાસેથી શરૂઆતમાં રૂા. 18 લાખ પડાવી લેવાયા હતા. બાદમાં બીજા 10 લાખ મગાયા હતા. અંતે રૂા. 42,00,000 પડાવી લેવાયા હતા અને પૈસા ન હોય તો મકાન વેચીને પણ પૈસા આપો તેવી ધમકી અપાઇ હતી. બાદમાં ફરિયાદીએ પોતાના પૈસા પરત માગતા આ ઠગબાજે પોતાનો ફોન બંધ કરી નાખ્યો હતો. પોતે છેતરાયા હોવાનું બહાર આવતાં તેમણે સાયબર હેલ્પલાઇન નંબર 1930માં ફોન કરતાં ચારેક લાખ સ્થગિત થઇ ગયા હતા વૃદ્ધને ડિજિટલ અરેસ્ટની રૂા. 42 લાખ પડાવી લેવાતાં આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd