નવી
દિલ્હી, તા.
22 : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર
નિવારણ) કાયદાની જોગવાઈને પડકારતી અરજીની સુનાવણી હાથ ધરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર
કર્યો હતો. અરજદાર દ્વારા એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે એક વર્ગને ઉત્પીડનમાંથી
બચાવવા માટે લાવવામાં આવેલો આ કાયદો બીજા વર્ગના ઉત્પીડનનું કારણ બની રહ્યો છે. કોર્ટે
અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે, આરોપીને ઉત્પીડનથી બચાવવા માટે
કાયદામાં પર્યાપ્ત ઉપાયો છે. અરજદાર બ્રજભૂષણ સૈનીના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું
હતું કે, કોઈ જ પ્રાથમિક તપાસ વિના એફઆઈઆર નોંધવા અને આરોપીની
ધરપકડ કરવાની વ્યવસ્થા યોગ્ય નથી. આવું થવાથી કાયદાના દુરૂપયોગની શંકા રહે છે. આ કાયદાની
કલમ-18 હેઠળ આરોપીને આગોતરા જામીનથી પણ રોક લગાવવામાં
આવી છે. વકીલે ફરિયાદીને કેસના આરંભે જ વળતર
દેવાની જોગવાઈ પર પણ સવાલ ઊઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં અપાયેલી જાણકારી
મુજબ ફરિયાદીઓને સરકાર તરફથી 493 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પ્રકારની વ્યવસ્થા બનાવટી ફરિયાદોને ઉત્તેજન
આપે છે. આ તબક્કે બેન્ચના સભ્ય જસ્ટિસ જોય માલ્યા બાગચીએ તેમને બોલતાં અટકાવી તેમની
દલીલોને `ક્રૂર' ગણાવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી અને વી.મોહનાની બેન્ચે મામલા પર સુનાવણીનો ઈન્કાર
કરતાં જણાવ્યું હતું કે, 2020માં
સુપ્રીમ કોર્ટે કાયદાને યોગ્ય ગણાવ્યો હતો. માત્ર છ વર્ષ બાદ તે ચુકાદાની સમીક્ષાનું
કોઈ કારણ જણાતું નથી.