ભુજ, તા. 22 : હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ ખાનાયની વાડીની ઓરડીના
ગુપ્ત ઓરડામાંથી ખાનાયના જીતુભા મંગળસિંહ સોઢાનો 18.71 લાખનો શરાબ એલ.સી.બી.એ ઝડપી પાડયો હતો, ત્યાં ફરી જીતુભાનો જ અડધા
કરોડ જેટલો શરાબનો જથ્થો એલ.સી.બી.એ વડાવા કાંયાની સીમમાં થતા કટિંગ વેળાએ જ ઝડપી પાડયો
છે. પોલીસને જોઇ જીતુભા સહિતના આરોપી નાસી છૂટયા હતા જ્યારે કેબિનમાં સૂતેલા ટ્રકચાલકને
રૂા. 58.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો. 22 તારીખની મધરાતે એલ.સી.બી.ની ટીમ નખત્રાણા તાલુકા
વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આધારભૂત બાતમી મળી હતી કે જીતુભા મંગળસિંહ સોઢા
(રહે. સોઢા કેમ્પ,
ખાનાય, તા. અબડાસા)વાળો તેના સાગરીતો સાથે મળીને
રાજ્ય બહારથી ટ્રક ભરીને દારૂનો જથ્થો મગાવ્યો છે. હાલે આ શરાબ ભરેલી ટ્રક મંગવાણાથી
ગઢશીશા રોડ પર આવેલા વડવા કાંયા સીમમાં બાવળોની ઝાડીમાં ઊભી છે અને અહીં હાલ દારૂનું
કટિંગ થઇ રહ્યું છે. આ બાતમીનાં પગલે એલ.સી.બી.એ પંચોને સાથે રાખી દરોડો પાડતાં દૂરથી
એક ટ્રક, બાઇક તથા સફેદ ક્રેટા કાર અને સ્વિફટ કાર હતી. પોલીસના
વાનની લાઇટો પડતાં આરોપીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસ કર્મચારીએ
જીતુભા સોઢાને કારમાં બેસીને નાસતો હોવાનું ઓળખી બતાવ્યું હતું. અન્ય આરોપીઓ પણ ક્રેટા
અને સ્વિફટ કારમાં બેસી અંધારામાં બાવળોની ઝાડીઓનો લાભ લઇ નાસી છૂટયા હતા. દરોડા સ્થળે
એક બાઇક નં. જી.જે.-12-ઇ.જી.-0679 (કિં.રૂા. 20,000) તથા ટ્રક નં. જી.જે.-18-એ.એક્સ.-6186 (જેની કિં.રૂા. 10,00,000) મળી હતી. આ ટ્રકની કેબિનમાં ટ્રકચાલક આરોપી
સતારખાન રમજાનખાન પઠાણ (રહે. ગાગરિયા, તા. રામસર, જિ. બાડમેર, રાજસ્થાન) મળી આવ્યો હતો. ટ્રકની બાજુમાં અને ટ્રકના ઠાંઠામાં દારૂનો જથ્થો
હતો. દરોડામાં અલગ અલગ બ્રાન્ડની 7740 બોટલો કિં.રૂા. 38,52,768 તથા બિયરના ટીન નંગ 7680 જેની
કિં.રૂા. 9,60,000 એમ કુલ્લે રૂા. 48,12,768ના દારૂના જથ્થા ઉપરાંત એક મોબાઇલ કિં.રૂા.
5000 એમ કુલ્લે રૂા. 58,37,768ના મુદ્દામાલ સાથે આરોપી ચાલક સતારખાનને પોલીસે
ઝડપી લીધો હતો. ટ્રકના ઠાંઠામાં પ્લાસ્ટિકના કોથળામાં જવના ભૂસાં તથા પ્લાસ્ટિકના વેસ્ટ દાણા ભરેલા હતા, જેનો ઉપયોગ દારૂ સંતાડવામાં થયો હતો.
ઝડપાયેલા સતારખાનની પોલીસે પૂછપરછ કરતાં આ જથ્થો ટ્રકના માલિક શકુરખાન નવાબખાન (રહે.
ગાગરિયા-રાજસ્થાન) તથા તેના મિત્ર અકબરખાન (રહે. રાણી, તા. ચૌટન,
જિ. બાડમેર-રાજસ્થાન)એ વોટ્સએપ કોલથી વાતો કરી પટિયાલા-પંજાબથી શરાબનો
જથ્થો ભરાવ્યો હતો અને અકબરખાનના કહેવા મુજબ ગુજરાતમાં જીતુભા મંગળસિંહ સોઢા (રહે.
ખાનાય)ને આપવાનો હતો. આથી કચ્છ આવતાં મંગવાણા પાસે આવતાં જીતુભા સફેદ ક્રેટા લઇને આવ્યો
હતો. તે આગળ પાઈલટિંગ કરીને અહીં દરોડા સ્થળે લઇ આવ્યો હતો. તે ગાડી ઊભી રાખીને સૂઇ
ગયો હતો. દરોડો પડતાં જીતુભા અને તેના સાથીઓ ભાગી ગયા હતા. એલ.સી.બી.એ આરોપી સતારખાન,
જીતુભા સોઢા, સ્વિફટ ગાડીના ચાલક/માલિક,
બાઇકના ચાલક/માલિક, શકુરખાન અને અકબરખાન વિરુદ્ધ
નખત્રાણા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરાઇ છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના
પીઆઇ અશોક એમ. મકવાણા, પીએસઆઇ જે. બી. યાદવ, એમ. એચ. શિણોલ, એએસઆઇ વીરેન્દ્રસિંહ જાડેજા, વિકેશભાઇ રાઠવા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, નીલેશભાઇ ભટ્ટ, અશ્વિનભાઇ સોલંકી, સુનીલભાઇ પરમાર, યુ.એચ.સી. મયૂરધ્વજસિંહ જાડેજા,
રાજદીપસિંહ ગોહિલ, નવીનકુમાર જોશી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, શ્યામ ગઢવી તથા કોન્સ. મહેશભાઇ ચૌહાણ,
ભરતભાઇ ગઢવી, ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજા અને
ભાવેશભાઇ ખટાણા જોડાયા હતા. - ભુજમાં
પણ એલ.સી.બી.નો સપાટો : બે દરોડામાં 1.03 લાખનો શરાબ જપ્ત : ભુજ, તા. 22 : વડવા કાંયા સીમ પાસેના ગણનાપાત્ર શરાબના દરોડા બાદ એલ.સી.બી.એ ભુજમાં પણ સપાટો
બોલાવી બે દરોડામાં રૂા. 1.03 લાખના
શરાબ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા અને બંને દરોડામાં એક જ શખ્સનું નામ ખૂલતાં તેને
ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે એલ.સી.બી.એ જાહેર કરેલ વિગતો મુજબ બાતમીના
પગલે એલ.સી.બી.એ ભુજના અરિહંતનગરમાં ફોરેસ્ટ દીવાલ પાસે દારૂ વેચતા મહાવીરસિંહ રવીન્દ્રસિંહ
ઝાલા (રહે. શિવમંદિર પાછળ,
અરિહંતનગર, ભુજ)ને રૂા. 77,609ના શરાબના જથ્થા તથા એક મોબાઇલ કિં.રૂા. 5000 સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત પણ એલ.સી.બી.એ
બાતમીના આધારે ફોરેસ્ટ કોલોની પાછળ શિવશક્તિ સોસાયટીમાં બ્રિજેશ ભટ્ટે પોતાની કબજાની
ઓરડીમાં વેચાણ અર્થે રાખેલા રૂા. 25,825ના શરાબના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ બંને દરોડામાં ઝડપાયેલા મહાવીરસિંહના
ભાઇ શક્તિસિંહ રવીન્દ્રસિંહ ઝાલાનું નામ ખૂલતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કરી
બંને દરોડા અંગે એ-ડિવિઝન પોલીસમાં ગુના નોંધાવી કાર્યવાહી કરી હતી.