નવી
દિલ્હી, તા.22: વંદે માતરમ્ સાથે જોડાયેલા વિવાદ અને કેસમાં
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ધાર્મિક કારણોથી રાષ્ટ્રગીત
ન ગાનાર વ્યક્તિ સામે અપરાધી કાર્યવાહી ન કરવી જોઈએ. અદાલતે આ અંગે કેન્દ્ર સરકાર પાસેથી
પ્રત્યુત્તર અને સ્પષ્ટતા પણ માગી છે. જો કે, સુપ્રીમ કોર્ટે
રાષ્ટ્રગીત ફક્ત બે અંતરા સુધી સીમિત રહેશે કે છ અંતરા સુધી એ નક્કી કરવાનો ઈન્કાર
કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, કાયદામાં વંદે માતરમ્નાં ગાયનને
અવરોધવા કે તેમાં જાણીજોઈને ખલેલ પાડવાને દંડપાત્ર અપરાધ બનાવવામાં આવ્યો છે. કર્ણાટકમાં
ગાયક ટી. એમ. કૃષ્ણાની અરજી પર સુનાવણી થઈ હતી. અરજદારે દલીલ કરી હતી કે, અંતિમ ચાર પંક્તિઓમાં હિન્દુ દેવતાઓ પ્રત્યે ભક્તિનું આહ્વાન કરવામાં આવે છે.
આ પંક્તિઓનું ગાયન ફરજિયાત બનાવવું દેશની બિનસાંપ્રદાયિકતાનું ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય
છે કે, વંદે માતરમ્ને કાયદાના દાયરામાં લાવતું સુધારા બિલ 29 જુલાઈએ રાજ્યસભા અને 30 જુલાઈએ લોકસભામાં પસાર થયું હતું. ત્યારબાદ
6 ઓગસ્ટે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદો
બની ગયો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું
હતું કે, વંદે
માતરમ્ સંબંધિત કાયદાનું અર્થઘટન કરતી વખતે 1986ના બિજોય ઈમેનુઅલ કેસનાં ચુકાદામાં નક્કી કરાયેલા
સિદ્ધાંતો લાગુ કરવામાં આવશે. હકીકતમાં, 1986ના બિજોય ઇમેન્યુઅલ વિરુદ્ધ કેરળ સરકારના કેસમાં
ત્રણ વિદ્યાર્થીઓએ ધાર્મિક માન્યતાઓને કારણે રાષ્ટ્રગાન ગાયું નહોતું. જો કે, રાષ્ટ્રગાન દરમિયાન તેઓ સન્માનપૂર્વક ઊભા રહેતા હતા. સુપ્રીમ કોર્ટે તેમની સામેની કાર્યવાહી
રદ કરતાં કહ્યું હતું કે માત્ર રાષ્ટ્રગાન ન ગાવાના આધારે તેમને સજા કરી શકાય નહીં.
સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતા અને કૃષ્ણાના વકીલ સિનિયર એડવોકેટ ડો. એસ.
મુરલીધર વચ્ચે ઉગ્ર દલીલ પણ થઈ હતી. બંધારણ હેઠળ નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે મુરલીધરની
દલીલના જવાબમાં મહેતાએ નક્સલી શબ્દનો ઉપયોગ કર્યો હતો. મુરલીધરે કહ્યંy હતું કે, તમે હમણાં જે શબ્દનો ઉપયોગ કર્યો છે,
તે પાછો ખેંચો. આ કાર્યવાહી લાઇવ ચાલી રહી છે. મહેતાએ જવાબમાં કહ્યું
હતું કે, તેમના દ્વારા જે કહેવામાં આવ્યું તે જ બંધારણીય રીત
છે, ન કે તે રીત જે નક્સલી ઇચ્છે છે અને મને તેનો કોઈ અફસોસ નથી.
જેની સામે મુરલીધરે સામે દલીલ કરી હતી કે, કોઈ બાબતે વિચાર રજૂ
કરવો એ નક્સલી હોવું બની જતું નથી. આ ઉગ્ર દલીલો વચ્ચે જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ હસ્તક્ષેપ
અને તેમણે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે, કોઈ વ્યક્તિ પર આતંકવાદી હોવાનો આરોપ હોય, તો પણ બંધારણ
હેઠળ તેના અધિકારો જળવાઈ રહે છે.