• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

જય હો... મહિલા ક્રિકેટરોએ આલેખી સુવર્ણ ગાથા

નવી દિલ્હી, તા. 22 : એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતની ગોલ્ડ મેડલની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આજે મહિલા ક્રિકેટ ટીમે દેશને પ્રથમ સુવર્ણચંદ્રક અપાવીને ગોલ્ડ મેડલનું ખાતું ખોલાવ્યું છે. એશિયન ગેમ્સના હાઇ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 147 રનના વિશાળ અને એકતરફી અંતરથી કારમો પરાજય આપ્યો હતો. આ ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમે એશિયાડમાં પોતાનો ગોલ્ડ મેડલ બરકરાર રાખ્યો છે. અગાઉ હવાંગ્ઝુ ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતે ક્રિકેટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.  ભારતે પ્રથમ બાટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 216 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. ઓપાનિંગ બેટર સ્મૃતિ મંધાનાની આકર્ષક અડધી સદી તેમજ ઋચા ઘોષ અને શેફાલી વર્માની આક્રમક રમતથી ભારતે મેચ પર મજબૂત પકડ જમાવી હતી. મંધાના અને શેફાલીએ ટીમને મજબૂત પાયો પૂરો પાડયો હતો અને પ્રથમ વિકેટ માટે 99 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. મંધાનાએ આક્રમક 30 દડામાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી. જો કે, શેફાલી તેની અડધી સદીથી સહેજ માટે ચૂકી ગઈ હતી અને 29 દડામાં 48 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌરના રૂપમાં ભારતને બીજો ફટકો પડયો હતો, જે 19 રન બનાવીને આઉટ થઈ હતી.  એક છેડેથી વિકેટો પડવા છતાં મંધાનાએ ઇનિંગ્સ જારી રાખી હતી અને 45 દડાનો સામનો કરી 5 ચોગ્ગા તેમજ 7 છગ્ગાની મદદથી 79 રને આઉટ થઈ હતી. અંતિમ ઓવરોમાં ઋચા ઘોષે સ્કોરને 200 રનની પાર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઋચા અને ભારતી ફૂલમાલી વચ્ચે ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી નોંધાઈ હતી. ઋચાએ 22 દડામાં 49 રન ફટકાર્યા હતા. ભારતના સ્કોરનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકન ટીમ ભારતીય બોલરોના ઘાતક આક્રમણ સામે પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ભારતીય બોલરોએ સતત અંતરે વિકેટો ઝડપીને શ્રીલંકાની ઇનિંગ્સને સ્થિર થવાની કે મેચમાં વાપસી કરવાની કોઈ જ તક આપી ન હતી. પરિણામે, સમગ્ર શ્રીલંકન ટીમ 15.4 ઓવરમાં માત્ર 69 રનના નજીવા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્માએ માત્ર 6 રનમાં 3, શ્રીચરણીએ 13માં બે, શેફાલી વર્માએ માત્ર 3 રનમાં બે વિ. ઝડપી હતી. અને ભારતે 147 રનથી મેચ અને ગોલ્ડ મેડલ બન્ને પર કબજો જમાવી લીધો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd