• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

અંજારમાં સતત વ્યસ્ત ગંગાનાકા વિસ્તારની ઘોર ઉપેક્ષા

અંજાર, તા. 22 : શહેરના વિકાસની દૃષ્ટિએ ગંગાનાકા વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચિત છે. અન્ય વિસ્તાર તરફ સુવિધાઓનું નેટવર્ક સતત વધી રહ્યું છે, જ્યારે આ વિસ્તાર પાયાની સુવિધાઓ માટે ઝૂરતો જોવા મળે છે. મોટાભાગના ગામડાંઓ ગંગાનાકા વિસ્તારને અડીને આવેલા છે અને ગ્રામીણ વિસ્તારના લોકો માટે ખરીદીનું ગંગા બજાર મુખ્ય કેન્દ્ર છે. છતાં ભારે જનમેદનીના પ્રમાણમાં અહીં રસ્તા અત્યંત સાંકડા છે, જેના કારણે રોજેરોજ ગંભીર ટ્રાફિકજામ સર્જાય છે. વિશાળ વસ્તી અને આજુબાજુનાં ગામડાંની સતત અવરજવર હોવા છતાં, ગંગાનાકા વિસ્તારમાં કટોકટીની સારવાર માટે એક પણ સુસજ્જ હોસ્પિટલ કે યોગ્ય સરકારી દવાખાનું નથી. વેપાર અને ગ્રામીણ પ્રજાના દૈનિક વ્યવહારો માટે જરૂરી એવી એક પણ બેંક કે યોગ્ય એટીએમની સુવિધા ગંગાનાકા વિસ્તારમાં નથી, જેથી લોકોને અંજારના અન્ય વિસ્તારોમાં ધક્કા ખાવા પડે છે. ગંગાનાકાની બહારના વિસ્તારમાં એક પણ જાહેર બગીચો નથી. આ ઉપરાંત વૃક્ષારોપણ કે ઝાડપાનનું વાવેતર ન થવાથી વિસ્તારમાં ગ્રીન કવર નહિવત્ છે. સ્થાનિક બાળકો અને યુવાનો માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી કે રમતગમતનું એક પણ ગ્રાઉન્ડ ગંગાનાકામાં નથી. અહીંના રસ્તાઓ ખૂબ સાંકડા છે અને યોગ્ય રોડ-લાઈટોના અભાવે રાત્રિના સમયે માર્ગો પર અંધારપટ છવાયેલો રહે છે, જે સુરક્ષા માટે જોખમી છે. શહેરના અન્ય વિસ્તારોમાં જે રીતે આધુનિક સુવિધાઓ સાથે વિકાસ થયો છે, તેની સરખામણીમાં ગંગાનાકા વિસ્તાર ઓરમાયા વર્તનનો ભોગ બન્યો છે. અંજાર નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા બીજા વિસ્તારોની જેમ જ ગંગાનાકા વિસ્તારનો પણ સમાન અને સર્વાંગી વિકાસ કરવામાં આવે તેવી સ્થાનિકો અને આજુબાજુનાં ગામડાંની જનતાની માંગ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd