• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

સેવાસેતુમાં આવતા અરજદારને પરિવારના સભ્ય તરીકે સેવા આપીએ

ભુજ, તા. 22 : સેવાસેતુમાં આવતા દરેક નાગરિકને માત્ર અરજદાર તરીકે નહીં, પરંતુ આપણા પરિવારના સભ્ય તરીકે સેવા આપીએ તેવું ભુજ નગરપાલિકાના વોર્ડ 1થી 6 માટે આયોજિત કાર્યક્રમને સંબોધતાં સાંસદે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે `સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મંગળવારે યોજાયેલા પાલિકા કક્ષાના `12મા તબક્કાના' સેવાસેતુ કાર્યક્રમ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે, સેવાસેતુ જેવી પહેલનો મૂળ હેતુ એ છે કે, સરકારની સેવાઓ માટે નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે, પરંતુ સરકાર પોતે નાગરિકોના દ્વારે પહોંચે. ટેકનોલોજી અને વહીવટી વ્યવસ્થાનાં  માધ્યમથી વિવિધ સરકારી સેવાઓને લોકોની નજીક પહેંચાડવાનું આ એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સૌ અધિકારીઓ અને કર્મચારીઓને જણાવ્યું હતું કે, ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગજનો, મહિલાઓ, ખેડૂતો અને જરૂરિયાતમંદ પરિવારોને યોજનાઓનો યોગ્ય લાભ મળે તે માટે સંવેદનશીલતા સાથે કામગીરી કરીએ. ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે, પહેલાં અરજદારોને અલગ અલગ કચેરીઓમાં જવું પડતું હતું, આજે એક જ સ્થળે અરજીઓનો નિકાલ થાય છે એ પછી આવકના દાખલા હોય કે રાશનકાર્ડમાં નામ ઉમેરવાનું હોય કે બેંકમાં નવું ખાતું ખોલાવાનું હોય કે પછી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢવાના હોય, તેવી વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે. આવનારા દિવસોની અંદર હજુ પણ આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ સેવાસેતુ અંતર્ગત 302 જેટલી આવેલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન પાલિકા પ્રમુખ શીતલભાઈ શાહે કર્યું હતું. ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. દીપપ્રાગટયમાં વક્તાઓ સાથે પ્રાંત અધિકારી મહેશભાઈ નાકિયા, શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર જોડાયા હતા. પાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો, ભુજ શહેર ભાજપના હોદ્દેદારો, ભુજ નગરપાલિકાના નગરસેવકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  આભારવિધિ ઈન્જિનીયર મહેઝબીનબેન પટેલે કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd