અમદાવાદ તા. 22 : કેવડિયા કોલોની-એકતાનગર ખાતે આજે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત કલાકારો-કસબીઓની વચ્ચે વરિષ્ઠ અભિનેતા અનંત નાગને ફિલ્મજગતના સૌથી સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે સૌ કોઈએ ઊભા થઈને તેમને સન્માન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, `ભારતીય સિનેમા દેશને એકતાંતણે બાંધે છે, દિલ્લી બહાર પ્રથમ વખત ગુજરાતના આંગણે પ્રથમવાર આ એવોર્ડ સમારોહનું આયોજન થવું એ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરે છે.' એવોર્ડ સમારોહ અંતર્ગત `ચંદુ ચેમ્પિયન' માટે ફ્લ્મિ અભિનેતા કાર્તિક આર્યન તેમજ બ્રહ્મયુગમ માટે મમુટીને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરવામાં આવ્યા છે. આર્ટિકલ 370 ફિલ્મ માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ `મારણ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે `કાંત', જ્યારે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ખિતાબ `આર્ટિકલ 370'ને મળ્યો છે. અમરન ફિલ્મ માટે રાજકુમાર પેરિયાસામીને શ્રેષ્ઠ નિર્દેશક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ `કલ્કિ 2898 એડી' બની છે. શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસમાં રોપા વારકડી (મિથ્યા) અને સચાના નમીદાસ (મહારાજા)ની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન (ગીતો) માટે આર્ટિકલ 370ના શાશ્વત સચદેવ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે અમરનના જી. વી. પ્રકાશને પસંદ કરવામાં આવ્યા છે. ઋદ્ધિમાન બેનર્જી, તપોમય દેબ, ગીતા ચક્રવર્તી, અરુણાદેવ પોથુલા અને અતિશ એસ. શેટ્ટીને શ્રેષ્ઠ બાળકલાકારનો એવોર્ડ મળ્યો છે. `લકી ભાસ્કર' માટે વેંકી એટલુરીને શ્રેષ્ઠ સંવાદ લેખક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અભિનેતા તરીકે પોતાની આગવી ઓળખ બનાવ્યા બાદ રણદીપ હુડાએ સ્વાતંત્ર્ય વીર સાવરકર દ્વારા દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું અને આ જ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિએ દ્રૌપદ્રી મુર્મુએ કલાકારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, જનતા કે યુવા પેઢીના સ્વાસ્થ્ય અને સમાજ ઉપર માઠી અસર પડતી હોય એવી વસ્તુઓ કે પ્રોડક્ટસની જાહેરાત કરવાથી દિગ્ગજ અને લોકપ્રિય કલાકારોએ દૂર રહેવું જોઈએ. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ફિલ્મોમાં હિંસાને બદલે પર્યાવરણની રક્ષાને લગતા વિષયોને આવરી લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સિનેમાં એ માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ તે સમાજનો એક અરીસો પણ છે. દેશમાં પ્રથમ વખત દિલ્લી બહાર ગુજરાતના આંગણે આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન થવુ એ રાજ્ય માટે ગૌરવની વાત છે. - રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હવે પ્રવાસન સ્થળો સુધી પહોંચશે : અશ્વિની વૈષ્ણવ : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કાર્યક્રમોને પરંપરાગત સ્થળોથી આગળ લઈ જવા અને દેશભરના સ્થળો સાથે જોડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત થઈને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે.