• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

દુનિયાનું સૌથી મોંઘું ગધેડીનું દૂધ ક્રાંતિ સર્જી શકે

કિશોર ગોર દ્વારા : ભુજ, તા. 5 : જન્માષ્ટમી પર્વના આગલા દિવસે શીતળા સાતમનો મેળો ભરાય છે. આ શીતલા માતાજીના વાહન ગર્દભ જેને લોકબોલીમાં ગધેડો કહેવાય છે તેનું ભારવાહક તરીકેનું મહત્ત્વ ઘટી રહ્યું છે પણ તેના દૂધની કિંમત તેને દૂધ ઉત્પાદક ફાર્મના ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે તેટલી ઊંચી છે. દુનિયાનું સૌથી મોંઘું દૂધ બની ગયું છે. રૂા. બેથી સાત હજારના ભાવે વેચાતા આ દૂધ અને પાઉડરની ઉપયોગીતા કોસ્મેટિક ક્રીમ, સાબુ-શેમ્પુમાં થવા લાગી છે. - આંકડા પર નજર : કચ્છમાં પશુધન વસતી ગણતરીની આંકડા પર નજર કરીએ તો કચ્છી ગધેડાની પાંચ વર્ષ અગાઉ 1337 વસતી હતી જે તાજેતરમાં 534 જેટલી વધીને 1871 થઇ મતબલ બે હજારની નજીક પહોંચી ચૂકી છે. ગધેડીના દૂધની વિશેષતા એ છે કે, તે માનવીના દૂધની નજીકની ગુણવત્તા ધરાવે છે. જે લોકોને ગાય અને ભેંસના દૂધ પીવાથી એલર્જી થતી હોય તેમના માટે ગધેડીનું દૂધ ઉત્તમ હોવાનું કચ્છના જિલ્લા પશુપાલન અધિકારી ડો. રાજેશભાઇ પટેલ જણાવે છે. - નવગણું વધારે : દૂધમાં ટાઉરીન નામનું તત્ત્વ હોય છે જે ગાયના દૂધ કરતાં નવગણું વધારે હોય છે. 19મી સદીમાં ગધેડીના દૂધનો ઉપયોગ નાના બાળકો, વૃદ્ધો અને બીમારીમાં પીવામાં ઉપયોગમાં લેવાતું હતું. કચ્છમાં પણ જૂની ઉધરસ મટતી ન હોય તેને ગધેડીનું દૂધ પીવડાવાતું. - પાઉડરની માંગ : ગધેડીના દૂધના ગુણધર્મો વિશે વધુ વિગતો આપતાં ડો.આર. ડી. પટેલ જણાવે છે કે તેમાં કેલ્શિયમ, વિટામીન-સી, મિનરલ, ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. જેના લીધે ત્વચાને મુલાયમ અને ઓછી ઉંમર દેખાય તેવા કોસ્મેટિક ક્રીમ, ઉપરાંત સાબુ-શેમ્પુમાં ઉપયોગ વર્તમાન સમયમાં વધતાં દૂધ અને તેના પાઉડરની ભરપૂર માંગ છે. - રોગોમાં ઉપયોગી : ગધેડીનું દૂધ કેન્સર, મોટાપો, ડાયાબિટીસ, ટીબી અને ફેફસાના રોગમાં ઉપયોગી છે તેવું તબીબનું કહેવું છે. ભારવાહક અને માટી ઉપાડવા માટે ગધેડાનો મુખ્ય ઉપયોગ થતો આવ્યો છે, જેથી ગામડા કરતાં શહેરી વિસ્તારોમાં ગધેડાગાડીઓ વધુ જોવા મળી રહી છે. વર્તમાનમાં ડોન્કી પાઉડર અને તેની ચહેરાની ખૂબસૂરતી અને એન્ટી એજીંગ પ્રોપર્ટીનું વેચાણ વધ્યું છે. ગધેડીનું દૂધ સંપૂર્ણ ઓર્ગેનિક હોય છે. - નવી પેઢી માટે તકો : આમ, નવી પેઢી માટે ગધેડીનું દૂધ ઉત્પાદન નવી રોજગારીની તકો પૂરી પાડતું થઇ જશે. પાંચ વર્ષ અગાઉ ભુજ તાલુકામાં ગધેડાની સંખ્યા 433, અબડાસામાં 337 અને માંડવીમાં 265 હતી જ્યારે અન્ય તાલુકાઓમાં 100થી 150 જેટલી હતી. તો દૂધ અને તેના પાઉડર ક્ષેત્રને નજર સામે રાખીને ઉછેર થાય તો આગામી સમયમાં વસ્તી વધારો થઇ શકે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd