ભુજ, તા. 22 : કચ્છમાં ભાદરવાના આરંભે વરસેલા વરસાદથી ખેતીને
જીવતદાન મળ્યું છે અને ઘાસચારાના પ્રશ્ને હંગામી રીતે રાહત મળી છે. હવે જ્યારે ચોમાસાની
વિદાયનું કાઉન્ડ ડાઉન્ડ શરૂ થઇ ચૂકયું છે ત્યારે સાત વર્ષ પછી એવું પ્રથમવાર બની રહ્યું
છે કે, જ્યારે
કચ્છમાં સરેરાશથી ઓછો વરસાદ વરસ્યો છે. કચ્છમાં 20 ઇંચની સરેરાશ સામે અત્યાર સુધી લગભગ બાર ઇંચ
જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સત્તાવાર રીતે અત્યાર સુધી 57.60 ટકા વરસાદ પડયો છે. હવામાન વિભાગે ચોમાસાની
વિદાયના સંકેત આપી દીધા છે ત્યારે આ ઘટ પુરાય તેવી સંભાવના ઓછી છે. - ઘટ આંશિક હળવી થઇ : ઓગસ્ટના અંત સુધી જિલ્લામાં માત્ર 29 ટકા વરસાદ જ પડયો હતો. અછતના મંડાણના સંકટ વચ્ચે વહીવટી તંત્રે રાહતદરે ઘાસ
વિતરણ સહિતની કવાયત આરંભી હતી. એ વચ્ચે ગણેશ ચતુર્થી આસપાસ ભારે વરસાદ પડતાં એક જ દિવસમાં
27 ટકા મેઘકૃપાના કારણે વરસાદની ઘટ થોડાઘણા અંશે
હળવી થવા સાથે અછતનું સંકટ આંશિક હળવું થયું હતું. - હજુ વરસાદની 34 ટકા ઘટ : જિલ્લામાં એક તબક્કે વરસાદની ઘટ 62 ટકાએ પહોંચી હતી. પાછોતરી મેઘકૃપાનાં કારણે
આ ઘટ ઘટીને 34 ટકાએ પહોંચી છે. જાણકારોના મતે જો વરસાદનો એકાદ
રાઉન્ડ આવી જાય તો પણ આ ઘટ પુરાય તેવી સંભાવના ના સમાન છે. - સાત વર્ષ સારો વરસાદ : 2018ના દુષ્કાળના વર્ષ બાદ 2019થી 2025 એમ સળંગ સાત વર્ષ કચ્છમાં સરેરાશથી સારો વરસાદ પડયો છે. 2020, 2021અને 2023ની સાલમાં તો કચ્છમાં વિક્રમી મેઘકૃપા વરસી હતી. 2020માં જિલ્લામાં 300 ટકા જેટલો વરસાદ વરસ્યો, જે એક વિક્રમ સમાન હતો. આ વખતે
અલ નીનોના કારણે સક્રિય સિસ્ટમ કચ્છ સુધી ન પહોંચતાં વરસાદની આ ચિંતાજનક સ્થિતિ સર્જાઇ
છે. - ત્રણ તાલુકામાં ઓછી મેઘકૃપા : જિલ્લામાં લખપત, અબડાસા અને નખત્રાણા એ ત્રણ તાલુકા એવા છે કે જેમાં 50 ટકાથી પણ ઓછો વરસાદ પડયો છે. જો ક,ઁ તે સિવાયના સાત તાલુકાઓ પૈકી
રાપરમાં 82 ટકાને
બાદ કરતાં બાકીના તાલુકાઓમાં સરેરાશ 51થી 64 ટકા જેટલો વરસાદ પડયો છે. પાછોતરા વરસાદે ખેતીને
નવું જીવન આપ્યું,
પણ ડેમો ઓવરફલો કરે તેવો ભારે વરસાદ ન પડતાં જળસંકટની સ્થિતિ યથાવત્
રહી છે.