પ્રિયેન
અજાણી દ્વારા : ભુજ, તા 22 : આજના ડિજિટલ યુગમાં ગામડાંના લોકો પણ સ્માર્ટ
ફોન અને ઇન્ટરનેટથી ઘરબેઠાં ખરીદી કરવા લાગ્યા છે. જો કે, જૂની પેઢી હજુ સ્થાનિક ખરીદીમાં
માને છે. આમ સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક, ખરીદ-વેચાણમાં ગ્રાહક
અને વેપારીના આર્થિક વ્યવહારોથી જ અર્થતંત્ર ધબકતું રહે છે. દરેક ગ્રાહક સસ્તું અને
સારું ખરીદવા ઇચ્છે છે, જ્યારે ધંધાર્થીઓ, સર્વિસ પ્રોવાઇડરો કે કંપનીઓ નફાની દૃષ્ટિએ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરે છે,
તેમાં ક્યારેક ગ્રાહક સાથે છેતરાપિંડી થતી હોય છે. આ સમયે વેપારી કે
કંપની હાથ ઊંચા કરી લે તો ગ્રાહકે કાયદા દ્વારા તેને મળતા અધિકારનો ઉપયોગ કરીને પોતાનો
હક્ક મેળવવો જોઇએ. આ માટે જ સરકારે ગ્રાહક કોર્ટ (કમિશન)ની રચના કરી છે, 5ણ બજારના કેન્દ્રમાં રહેલા ગ્રાહકરાજામાં હજીય
જોઈએ તેટલી જાગૃતિ આવી નથી. - ગ્રાહકોમાં
થોડે અંશે જાગૃતિ : `કચ્છમિત્ર'એ કચ્છી ગ્રાહકોની ફરિયાદોની સ્થિતિનો
તાગ મેળવવાનો પ્રયાસ કર્યો, તો એવું જણાયું હતું કે, ગ્રાહકોમાં પોતાના અધિકારોને લઇને થોડે અંશે જાગૃતિ આવી હોવાથી ગ્રાહકરાજા
પ્રત્યે ધંધાર્થીઓ, સર્વિસ પ્રોવાઇડરો કે કંપનીઓનો અભિગમ સુધર્યો
છે, છતાં એવું નથી કે આજે ગ્રાહક સાથે છેતરાપિંડી થતી નથી. વ્યાપાર
વધવાની સાથે ગ્રાહકોનું શોષણ થવાનું પ્રમાણ હજુ યથાવત્ જ છે. તેથી એવું કહી શકાય કે,
લોકોમાં હજુ જોઇએ તેટલી જાગૃતિ નથી. - આ વર્ષે 73 ટકા ફરિયાદનું નિવારણ : આંકડાની દૃષ્ટિએ જોઇએ તો કચ્છ જિલ્લા ગ્રાહક
તકરાર નિવારણ કમિશન સમક્ષ વર્ષ 2025માં
517 કેસ નોંધાયા હતા, જ્યારે આઠમી સપ્ટે. 2026 સુધી 314 કેસ નોંધાયા છે. આ સંદર્ભે કેસોના નિકાલનો આંક જોઇએ તો 2025માં 389 અને ચાલુ વર્ષે 229 કેસનો
નિકાલ કરી ગ્રાહકોને નુકસાનનું વળતર અપાવવામાં આવ્યું છે. કચ્છ ડિસ્ટ્રીક્ટ કમિશનના
પ્રમુખપદે નિવૃત્ત ન્યાયાધીશ અન્નપૂર્ણાબેન પી. કંસારા છે, જે દર માસની તા. 11થી 20 દરમ્યાન અહીં હાજર હોય છે, બાકીના દિવસે સુરેન્દ્રનગરનો રેગ્યુલર ચાર્જ સંભાળે છે. માનદસભ્ય
તરીકે ધારાશાસ્ત્રી પરેશભાઇ જોશી છે, જેઓ પ્રમુખના ઇન્ચાર્જ તરીકે
પણ ફરજ નિભાવે છે. અહીં બીજા સભ્યનું પદ ખાલી છે. આશુતોષાસિંહ પૃથ્વીરાજસિંહ ગૌતમ મદદનીશ
નિયામક તરીકે કાર્યરત છે. - સૌથી
વધુ કેસ વીમા કંપનીઓ સામેના છે : કચ્છ ડિસ્ટ્રીક્ટ કમિશનના પદાધિકારીઓએ જણાવ્યું
હતું કે, પાછલાં
કેટલાંક વર્ષથી જિલ્લાના ગ્રાહકો અધિકારો પ્રત્યે સભાન બન્યા છે, પણ હજુ જોઇએ તેટલી જાગૃતિ આવી નથી. કચ્છમાં ગ્રાહકોની ફરિયાદની વિગતો જોઇએ
તો સૌથી વધુ કિસ્સા ઈન્સ્યોરન્સ કંપનીઓના હોય છે. તદુપરાંત ડેવલોપર્સ દ્વારા પ્લોટ
કે આવાસ યોજનાઓમાં ગ્રાહકો સાથે થયેલી છેતરાપિંડી અને મોબાઈલ ફોનને લગતા કેસો હોય છે.
અહીં નોંધાયેલા કેસોની વિગતમાં વીમા કંપનીઓ સામેના વિવાદોમાં વાહન અકસ્માત,
ચોરી અથવા આરોગ્ય વીમો પાસ ન કરવા અથવા ઓછું વળતર ચૂકવવાના, ગ્રામીણ વિસ્તારોમાંથી પાક વીમા અને ખેતી વિષયક નુકસાનીના દાવાની ફરિયાદો નોંધાવાઇ
હોવાનું સામે આવ્યું હતું. - વિવિધ બાબતે ફરિયાદ : બેન્કિંગ સેવાઓની ખામીમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાંથી ખોટી રીતે નાણાં ડેબિટ
થઇ જવા અને બેંક દ્વારા યોગ્ય સહયોગ ન મળવાના, લોનની એન.ઓ.સી. ન આપવી અથવા હિસાબમાં ભૂલ, રિયલ એસ્ટેટ અને બિલ્ડરો સામેની ફરિયાદોમાં જિલ્લાના તાલુકા કે શહેરી વિસ્તારોમાં
ફ્લેટ કે પ્લોટનું બાકિંગ કરાવ્યા બાદ બિલ્ડર દ્વારા સમયસર કબજો ન આપવો, બાંધકામમાં ખામી અથવા કરાર મુજબ સુવિધાઓ ન આપવી, વોરંટીના
વિવાદોમાં નવા ખરીદેલા ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર વાહનો, એર કન્ડિશનર,
ફ્રીઝ કે મોબાઈલ ફોનમાં મેન્યુફેક્ચારિંગ ખામી અને કંપની તરફથી વોરંટી
પિરિયડમાં પણ રિપારિંગ કે રિપ્લેસમેન્ટ ન કરવું, જાહેર સેવાઓમાં
ચૂકના કિસ્સામાં વીજ કંપનીઓ દ્વારા ખોટાં બિલ આપવા, ટેલિકોમ અથવા
ઇન્ટરનેટ પ્રોવાઇડર્સ દ્વારા નબળી કનેક્ટિવિટી છતાં ચાર્જ વસૂલવો જેવી બાબતોની ફરિયાદો
અહીં કરાતી હોય છે. - ઓનલાઇન ફરિયાદ પણ થઈ શકે છે : આ કમિશનમાં વર્ષ 2025 સુધી મેન્યુઅલી ફરિયાદ દાખલ કરી શકાતી હતી અને
જો પાંચ લાખથી વધુની કિંમતનો દાવો હોય તો તેની ફી ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારાતી
હતી, પરંતુ
જાન્યુ. 2026થી
ઓનલાઇન અરજી કરવાનો નિયમ લાગુ થતાં હવે ગ્રાહકો ગમે તે સ્થળે અને સમયે ઊ-ઉફફસવશહ ઙજ્ઞાિફિંહ પર ફરિયાદ નોંધાવી જરૂરી ફી ભરી શકે છે. રાષ્ટ્રીય
ગ્રાહક ટોલ ફ્રી નંબર 1915 ઉપરાંત
રાજ્ય ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0222 ઉપર ગ્રાહક ફરિયાદ માટે સંપર્ક કરી શકે એવી
સુવિધા છે. - મહારાષ્ટ્ર જેમ સ્થાનિક તંત્રે રસ લેવો જોઇએ
: જાગૃતો : તુકારામ મુંઢેએ મહારાષ્ટ્ર એફડીએના કમિશનર તરીકે
ચાર્જ સંભાળ્યા બાદ `ફસાઇ' અને મુંઢેએ ગ્રાહકોનાં સ્વાસ્થ્ય સાથે થઈ રહેલાં આ ચેડાંને
રોકવા માટે અભૂતપૂર્વ ડ્રાઇવ ચલાવી હતી, જેમાં 904થી વધુ દરોડા પાડી 3100થી વધુ ખાદ્ય પ્રતિષ્ઠાનોની તપાસ કરાઇ હતી અને
ભેસળયુક્ત, પ્રતિબંધિત અને નકલી ખાદ્ય પદાર્થોનો આશરે રૂા. 34.7 કરોડથી વધુના જથ્થાનો નાશ કરવા સાથે 12,000થી વધુ સંસ્થાને કારણદર્શક નોટિસ અપાઇ હતી.
આશરે 300 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવા જેવાં કડક પગલાં
પણ લીધાં હતાં, જેથી હોટેલ માલિકો અને શેરી ફેરિયાઓમાં ડર અને જવાબદારી બંને વધ્યાં છે. આમ
જાગૃત લોકો ઇચ્છી રહ્યા છે કે, કચ્છમાં પણ તંત્ર વધુ જાગૃતિ દાખવે
અને ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરે.- છૂટક
બજારમાં એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદ : છૂટક બજારમાં એમઆરપી કરતાં વધુ કિંમત વસૂલવાનો
સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. હાલમાં કચ્છના અમુક ગામ, શહેર કે પ્રવાસન તથા ફરવાલાયક
સ્થળોએ કેટલાક વેપારી ઘણીવાર પ્રવાસીઓ પાસેથી પાણીની બોટલો, ઠંડાંપીણાં
કે પેક કરેલા ખાદ્ય પદાર્થો માટે મહત્તમ છૂટક કિંમત કરતાં વધુ વસૂલતા હોવાની ફરિયાદો
ઊઠતી રહે છે. વેપારીઓ દાવો કરે છે કે અહીં સુધી લઇ આવવામાં જે ડેમરેજ લાગે છે તે અને
તેને ઠંડું કરવાનો કાલિંગ ચાર્જ લઇએ છીએ. જો કે, કેટલાક ગ્રાહકો
દલીલ કરે છે કે વાસ્તવમાં આવો ચાર્જ તેમાં પહેલાંથી જ ઉમેરાયેલો હોય છે. ડેરી પ્રોડક્ટસ
વેચનારા કેટલાક છૂટક વિક્રેતા ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલતા હોવાનો પણ આક્ષેપ
છે. ગ્રાહક વિરોધ કરે તો આવી વસ્તુઓ બગડી જતી હોવાથી તેને ઠંડકમાં રાખવી પડે છે તેવું
જણાવે છે. તેમ છતાં જો બગડે તો તેની નુકસાની વેપારીને ભોગવવી પડે છે, માટે એમઆરપીના ભાવે વેચવી તેમને પરવડે તેમ ન હોવાનું જણાવાય છે. છૂટક વેપારીઓ દ્વારા બીડી, સિગારેટ વિ. વસ્તુઓના વેચાણ કિંમત કરતાં વધુ ભાવ વસૂલાતા હોવાનો ગ્રાહકોએ આક્ષેપ
કરતાં જણાવ્યું હતું કે, જ્યારે કોઇ વસ્તુની કિંમત રાઉન્ડ ફિગરથી
બે-ચાર રૂપિયા ઓછી હોય ત્યારે વેપારી પરચૂરણ રકમ પરત ન કરતાં પૂર્ણ કિંમત જ વસૂલી લે
છે, જે ગેરકાયદેસર છે.