ભુજ, તા. 22 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશ દ્વારા
સમગ્ર ગુજરાતમાં શરૂ કરાયેલા સ્ટુડન્ટ રેઇડ અભિયાન અંતર્ગત એબીવીપી દ્વારા કચ્છ યુનિવર્સિટીની
હોસ્ટેલની મેસમાં સરપ્રાઇઝ રેડ પડાઇ હતી.તપાસ દરમ્યાન હોસ્ટેલના રસોડામાંથી વિદ્યાર્થીઓના
આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યાં હતાં. મેસના સ્ટોરરૂમ
અને રસોડામાંથી બગડેલાં શાકભાજી મોટી માત્રામાં મળી આવ્યાં હતાં. રસોડામાં ભારે અસ્વચ્છતા
અને પીવાનાં ચોખ્ખાં પાણીની યોગ્ય વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળ્યો હતો. એબીવીપી દ્વારા
યુનિવર્સિટી સંચાલકો,
હોસ્ટેલ વોર્ડન સમક્ષ કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે વિદ્યાર્થીઓનાં
સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર મેસ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાં, તાત્કાલિક ધોરણે ગુણવત્તાસભર ભોજનની વ્યવસ્થા કરવા ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ
વિભાગ દ્વારા અવારનવાર સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન થાય તેવી માંગ કરાઇ છે. સહસંયોજક શૈલેશભાઇ
પરમારે જણાવ્યું કે, જો આ મામલે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી
કરવામાં નહીં આવે તો કેમ્પસમાં તાળાબંધી સહિતના કાર્યક્રમો અપાશે. પશ્ચિમ કચ્છ જિલ્લા
સંયોજક ભરતભાઇ ગઢવી સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ મામલે કુલસચિવ ડો. અનિલ ગોરને પૂછતાં
તેમણે રેક્ટર સમિતિ પાસેથી અહેવાલ મગાવી જવાબદારો સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી.