ગાંધીધામ, તા. 14 : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સવારે આઝાદી બાદ વસેલાં ગાંધીધામ શહેરમાં
વહીવટી તંત્ર અને ગાંધીધામ મહાનગર દ્વારા જિલ્લાકક્ષાની તિરંગાયાત્રાનું આયોજન કરાયું
હતું. આ દરમ્યાન ગાંધી માર્કેટથી યાત્રાના રૂટ ઉપર દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો
હતો. ગાંધી માર્કેટથી શરૂ થયેલી યાત્રા શહેરની મુખ્ય બજાર, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સહિતના વિસ્તારોમાં
ફરી ઝંડાચોક ખાતે પૂર્ણ થઈ હતી. સુરક્ષા દળના
જવાનો વિશાળ તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. જનમેદનીને સંબોધતા રાજ્યના શ્રમ રોજગાર
રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી કાંતિલાલ અમૃતિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી
તિરંગાયાત્રામાં સામેલ થવાનો મોકો મળ્યો હોવાનું જણાવી વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને
સાકાર કરવા સૌ યુવાનોને હાકલ કરી હતી. તેમણે યુવાનોને રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવવા
હાકલ કરી હતી. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ
છાંગાએ જણાવ્યું હતું કે, ગાંધીધામની તિરંગાયાત્રામાં લોકોનો
ઉત્સાહને બિરદાવ્યો હતો. ગાંધીધામ વિભાજનની પીડામાંથી નિર્માણ થયેલું નગર હોવાનું જણાવી વિભાજની પીડા ગાંધીધામની વધારે કોઈ ન સમજી શકે.
આઝાદી પછી અસ્તિત્વમાં આવેલું આ નગર આજે મહાનગર બન્યું છે તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર
મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે આપ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સ્વાગત
પ્રવચન દરમિયાન સમગ્ર રાજ્યમાં આન-બાન અને શાન સાથે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાયાત્રા
યોજાઈ રહી હોવાનું જણાવી સૌને આઝાદી પર્વની શુભેચ્છા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ
મહામંત્રી ધવલ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી,
ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીન જરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ
શેઠ, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, ગાંધીધામ મહાનગરપાલિકા
કમિશનર બી.ડી. દવેરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,
પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, અંજાર પ્રાંત
અધિકારી સુરેશ ચૌધરી, ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી સહિત પદાધિકારીઓ,
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મોમાયાભા ગઢવીએ સંભાળ્યું હતું.
વિવિધ સમાજો દ્વારા રૂટ ઉપર તિરંગાયાત્રા ઉપર પુષ્પવર્ષા કરાઈ
ગાંધીધામ, તા. 14 : તિરંગાયાત્રાના રૂટ ઉપર દરમિયાન ઠેર-ઠેર પંજાબી સમાજ, મારવાડી સમાજ, ઉત્તર ભારતીય
સમાજ, લોહાણા (ઠક્કર) સમાજ, સિંધી સમાજ,
કેરેલા સમાજ, બ્રહ્મસમાજ, ગોરખા સમાજ, દેવીપૂજક સમાજ, આંધ્ર
સમાજ, મલયાલમ સમાજ, પટેલ સમાજ, ઉડિયા સમાજ, આહીર સમાજ, ભરવાડ સમાજ
સહિત સમાજ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓએ પુષ્પવર્ષા કરીને આવકારી હતી. તિરંગાયાત્રામાં
સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ,
સશસ્ત્ર દળો, વિવિધ સમાજો સહિત સેવાભાવી સંસ્થાઓએ
મોટી સંખ્યામાં જોડાઇ હતી.