• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

બે દિ'માં ખાંડ કડવી ઝેર બની

ભુજ, તા. 3 : આમ તો ભારતમાં જૂન મહિનાથી ચોમાસું  બેસી જતું હોય છે, પરંતુ ચાલુ સાલે સુપર અલ નીનોની અસરે અનેક રાજ્યોમાં જૂન માસ કોરો ગયો છે અને જુલાઈમાં પણ આ સમયગાળા દરમ્યાન અપૂરતો વરસાદ થતાં ખાસ કરીને શેરડીનું વાવેતર ઘટતાં ખાંડનાં ઉત્પાદન પર થનારી અસરનાં પગલે સરકાર દ્વારા ઓગસ્ટ માસનો અપૂરતો જથ્થો ફાળવાતાં ખાંડના ભાવો આસમાને પહોંચ્યા છે. શેરડીનું ઉત્પાદન કરતા રાજ્યો ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ઓછા વરસાદે શેરડીનું ઉત્પાદન ઘટવાની સંભાવનાએ સપ્લાય ચેન ખોરવાઈ જવાની ચિંતાએ બજારમાં તેજીની શરૂઆત થઈ હતી. આ તેજી થકી હાલ બજારમાં ખાંડના ભાવો ભડકે બળી રહ્યા છે. સ્થાનિક બજારના વેપારી કીર્તિકુમાર વોરાએ આ અંગે જણાવ્યું કે, શેરડીનાં ઉત્પાદનમાં આવેલી ઘટને પગલે ખાંડનાં ઉત્પાદન પર તેની અસર પડી છે, તે વચ્ચે સરકાર દ્વારા ઓગસ્ટ માસમાં 24 લાખ ક્વિન્ટલની ધારણા સામે 22.50 લાખ ક્વિન્ટલ ખાંડ છૂટી કરતાં બજારમાં ખાધ વધી છે, જેથી ભાવોમાં ઉછાળો થયો છે. તેમાંય માથે તહેવારો આવી રહ્યા છે, જેથી માંગ પણ વધશે. શ્રી વોરાએ કહ્યું કે, સ્થાનિક બજારમાં છેલ્લા બે દિવસમાં ક્વિન્ટલ દીઠ 400થી 500 રૂપિયાનો ઉછાળો થયો છે. આગામી સમયમાં ક્વિન્ટલના ભાવો 600 સુધી પહોંચે તેવી ધારણા છે. વળી વિશ્વના બીજા સૌથી મોટા ખાંડના ઉત્પાદક દેશ તરીકે ભારત વર્ષો સુધી વૈશ્વિક બજારમાં  મહત્ત્વનું નિકાસકાર રહ્યું છે, પરંતુ કેટલાક સમયથી માંગ વધવાથી તેમજ અલ નીનોની અસરે શેરડીનું ઉત્પાદન ઘટવાની સંભાવના બાદ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેની અસર પણ ભાવવધારા પર પડી રહી છે.

Panchang

dd