નલિયા, તા. 3 : અબડાસા તાલુકાના કોઠારા પંથકમાં
લાંબા ઇંતજાર બાદ મેઘરાજાએ મહેરબાન થઈ વાવણીલાયક વરસાદ વરસાવતાં ખેતી પ્રવૃત્તિઓમાં
તેજી આવી છે. વરસાદ બાદ ખેતરોમાં વાવણી માટે અનુકૂળ `વરાપ' નીકળતાં
જ જગતનો તાત હરખાયો છે અને કોઠારાના બજારોમાં બિયારણની ખરીદી માટે ખેડૂતોની ભારે ભીડ
જોવા મળી રહી છે. નુંધાતડના બિયારણ વિક્રેતા સતીશભાઈ ભાનુશાલીએ બજારની સ્થિતિ અંગે
વિગતો આપતાં જણાવ્યું હતું કે, વરસાદ બાદ વાવણીનો યોગ્ય સમય થતાં
જ ખેડૂતો બિયારણ લેવા ઊમટી પડ્યા છે. હાલમાં મુખ્યત્વે મગફળી, મગ, તલ, રાયડો અને તુવેર જેવા પાકોના
વાવેતર માટે બિયારણની માંગ વધુ જોવા મળી રહી છે. કોઠારા કેન્દ્ર ઉપરાંત આસપાસના વરાડિયા,
આમરવાઢ, સાયરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી
સવારથી જ ટ્રેક્ટરોનો ગુંજારવ સંભળાઈ રહ્યો છે. ખેડૂતો વાવણીનાં કામમાં જોતરાઈ ગયા
હોવાથી સીમ વિસ્તારો ધમધમી ઊઠ્યા છે. જો કે, ચાલુ વર્ષે અબડાસા
પંથકમાં હજુ સુધી જરૂરિયાત મુજબનો પૂરતો વરસાદ થયો નથી, તેમ છતાં
આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આશા સાથે ખેડૂતોએ જોખમ ખેડીને પણ ધરતીના
ખોળે વાવેતરનો પ્રારંભ કરી દીધો છે.