• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

હરિદ્વાર કચ્છી આશ્રમમાં 111 અતિમહારુદ્ર યજ્ઞની ઘોષણા

મુંબઇ, તા. 3 : મુંબઇમાં વાશી ખાતે હરિઓમ પરિવાર દ્વારા યોજાયેલા આધ્યાત્મિક સત્સંગ કાર્યક્રમમાં કચ્છી સંત પૂ. હરિદાસજી મહારાજે સત્સંગને આધ્યાત્મિક ક્રાંતિ ગણાવીને કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી હતી તે પૈકી કચ્છી આશ્રમ હરિદ્વાર ખાતે 111 અતિમહારુદ્ર યજ્ઞ યોજવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સમગ્ર ભારતના કલ્યાણ માટે કચ્છી આશ્રમ તરફથી જ્યાં સુધી ગંગા વહે છે ત્યાં સુધી યજ્ઞ વગેરે ચાલુ રહેશે. ગુરુપૂર્ણિમા નિમિત્તે રવિવારે સત્સંગ યોજવા એ.પી.એમ.સી.ના વેપારી ભાઇઓના આગ્રહના કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુંબઇ, કચ્છ અને જુદા-જુદા સ્થળેથી ભાવિકો ઊમટયા હતા. ભાનુશાલી, પાટીદાર, આહીર, બ્રાહ્મણ, લોહાણા સમાજના ઊમટેલા ભાવિકોને સંબોધતાં મહારાજએ કહ્યું કે, ઓધવરામજીના ચરણોમાં જવાથી ભવસાગર તરે અને કચ્છીઓ ઉપર તો ઓધવરામજીનો શ્રીકાર વરસાદ છે. યોગ વિષય પર બોલતાં તેમણે કહ્યું કે, વ્યાયામ એ શરીરને સ્વસ્થ રાખવાની કળા છે. 84 આસનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, યોગના ફાયદા જોઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે સમગ્ર વિશ્વમાં લોકો યોગ તરફ વળ્યા છે. યોગ-સત્સંગમાં પરોવાઇ જવાથી પરમ શાંતિની અનુભૂતિ થાય છે. વાલરામજી શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવિકોને પણ મહારાજે યોગના સંકલ્પ લેવડાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, હરિઓમ પરિવાર દ્વારા મુંબઇ, વલસાડ, હરિદ્વાર, કચ્છ, જામનગર, વાપી, રાજકોટ સહિતનાં સ્થળોએ સત્કાર્યો હાથ ધરાઇ રહ્યાં છે. વિવિધ સ્થળે હવે જે 21 ઓધવધામનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે એ વિસ્તારના ભાવિકોએ કાર્ય પોતે જાતે ઉપાડી લે ને એક અનોખા આધ્યાત્મિક કેન્દ્રનું નિર્માણ કરે તેવી અપીલ કરી હતી. ઘાટકોપર અસલ્ફા ભાનુશાલી વાડીમાં દિવાળી પછી વર્ષ દરમ્યાન ત્રણ ભાગવત સપ્તાહ યોજવાની જાહેરાત કરી હતી. હરિદ્વાર કચ્છી આશ્રમમાં 111 અતિમહારુદ્ર યજ્ઞ, અબડાસાના મોથાળા ગામે શિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામતી અંગ્રેજી શાળાને ઓધવરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નામ આપવાનું કહ્યું હતું. જખૌમાં બાલમંદિર, હરિદ્વારમાં ફિઝિયો ક્લિનિક, ડોમ્બીવલીમાં જરૂરિયાતમંદ પરિવારો માટે ફ્લેટની યોજના આગળ વધતાં રૂમોની ફાળવણી પણ શરૂ કરી દેવાઇ છે એમ કહ્યું હતું. સારસ્વત બ્રાહ્મણ સમાજની વિધવાઓને દરમહિને રૂા. 1100ની સહાય ભવિષ્યમાં ચાલુ રહેશે. ભાનુશાલી સમાજની 400 માતૃવંદના યોજના, વિકલાંગોને સહાય, ઘાટકોપરમાં કડવા પાટીદાર સમાજવાડી, મુલુંડમાં સારસ્વત વાડીનાં કાર્યને આગળ વધારવા સહયોગી બનવાનું જણાવ્યું હતું. ભવિષ્યમાં ઓધવરામ હોસ્પિટલ, યુનિવર્સિટીનું નિર્માણ કરવાનું પણ કહ્યું હતું. પ્રારંભે હરિઓમ પરિવાર વતીથી ટ્રસ્ટી તુલસીભાઇ દામાએ આવકાર આપ્યો હતો. પઠાઇભાઇ  ભાનુશાલી, મહારાજશ્રી, દેવજીભાઇ નંદાના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. ભાનુશાલી સેવા સમાજના શંભુભાઇ ભાનુશાલી, રણછોડ નંદા, કૈલાસ ગજરા, અશોક ભદ્રા, રાજેશ જોઇસર, જીતુ ભાનુશાલી, શ્રી હેમાણી તથા ટ્રસ્ટી નવીનભાઇ આઇયા, નરશીંભાઇ ભાનુશાલી, દીપક પંડયા, ગિરીશ ગોરી, ખીમજીભાઇ ભાનુશાલી, જયેશ ભાનુશાલી વગેરે હાજર રહ્યા હતા.

Panchang

dd